રાફાળેશ્વર પાસે બેફામ ગતિએ દોડતી કારે બાળકને હડફેટે લેતા રસ્તો બંધ કરતા ગ્રામજનો

- text


જ્યાં સુધી જવાબદાર અધિકારી ઘટના સ્થળે ન આવે ત્યાં સુધી રફાળેશ્વર મંદિરથી નેશનલ હાઇવે તરફનો રસ્તો બંધ : રસ્તા પર માટીના પાળા કરી દેવાયા

મોરબી : મોરબીના રફાળેશ્વર મંદિર પાસે થઈ નેશનલ હાઇવે પર જતાં માર્ગ પર બેફામ ગતિએ કાર ચલાવી એક બાળકને અડફેટે લેવાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ તાકીદે માર્ગ ઉપર મસ મોટા માટીના પાળા ઉભા કરી આ માર્ગને બંધ કરી દીધો છે. અને જ્યાં સુધી કોઈ જવાબદાર અધિકારી ન આવે ત્યાં સુધી આ માર્ગ ખોલવામાં નહિ આવે તેમ જણાવી હાઇવે પર જ અડીંગો જમાવતા અનેક વાહનો ફસાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી – 1ના લોકો લાલપર નેશનલ હાઇવે જવા માટે મોટાભાગે લોકો ત્રાજપર ચોકડી જવાને બદલે કેનાલ રોડથી લીલાપર થઈ વાયા રફાળેશ્વર માર્ગનો ઉપયોગ કરે છે એ માર્ગ ઉપર તોતિંગ હેવી વાહનોથી લઈ સીરામીક ઉદ્યોગકારો પોતાની કાર લઈને આવન જાવન કરે છે.

- text

આ ગ્રામ્ય માર્ગ હોવા છતાં બેફામ સ્પીડે નીકળતા વાહનોથી રફાળેશ્વરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા અહીં બાયપાસ બનાવાયો છે છતાં પણ લોકો પુરપાટ ઝડપે પસાર થતા હોય આજે રફાળેશ્વર મંદિર નજીક ગ્રામ પંચાયતના સદસ્યના પુત્રને એક કાર ચાલકે હડફેટે લેતા ઇજાઓ પહોંચી હતી જેને પગલે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.

બીજી તરફ કાર ચાલક અકસ્માત કરી નાસી છૂટતા લોકોનો ગુસ્સો વધ્યો હતો અને તાત્કાલિક અસરથી જાહેર માર્ગ બંધ કરી રસ્તા પર માટીના ટ્રેકટર ઠાલવી રસ્તો બ્લોક કરી બેફામ ગતિએ દોડતા વાહનોનો કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે આંદોલન પર ઉતરી આવ્યા હતા.

વધુમાં જ્યાં સુધી કોઈ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે નહિ આવે ત્યાં સુધી ગ્રામજનોએ અહીંથી નહિ હટવા નિર્ણય કરતા વાહન ચાલકોને અનેક કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.

- text