ટંકારામાં જમીન હડપ કરવા ખોટી સહીઓ કરનારને ત્રણ વર્ષની કેદ : તલાટીને પણ સજા

- text


હીરાપરની બાપદાદાની જમીન હડપ કરવા માતા-ભાઈની ખોટી સહી કરવી ભારે પડી : ટંકારા પ્રિન્સિપલ જજનો આકરો ચુકાદો

ટંકારા : ટંકારા તાલુકાના હીરાપર ગામની કિંમતી જમીન હડપ કરવાનો કારસો ઘડી ભાઈ અને માતાની ખોટી સહીઓ કરી તલાટી કમ મંત્રી સાથે મિલીભગત કરનારને ટંકારા પ્રિન્સિપલ જજ સાહેબે આકરી ત્રણ વર્ષની સજા ફટકારવા હુકમ કરી કૌભાંડી નિવૃત તલાટીને પણ દોઢ વર્ષની સજા ફટકારતા સનસનાટી મચી ગઇ છે.

જમીન કૌભાંડના આ કેસની વિગત જોઈએ તો ટંકારા તાલુકાના હીરાપર ગામે સર્વે નંબર ૨૩૮ પૈકીની ૪ એકર જમીન મૂળ માલિક સ્વ. ભાણાભાઈ જેઠાભાઇ સારેસાની હતી બાદ માં તેમનું અવસાન થતાં સીધી લીટીના વારસદાર જીણીબેન, શામજીભાઈ, હમીરભાઈ અને કારુભાઈને મળવા પાત્ર હોવા છતાં હમીરભાઈ ભાણાભાઈ સારેશાએ ખોટી સહીઓ કરી ખોટા કબૂલાત નામ અને સોગંધનામાં અને સાક્ષીઓ ઉભા કરી આ કિંમતી જમીન હડપ કરી જતા હમીરભાઈના સગાભાઈ કરુભાઈ ભાણાભાઈ સારેશાએ કલમ ૪૬૭,૪૬૮,૪૭૧, ૪૭૨ અને ૪૨૦ મુજબ હમીર ભાણા, કેશવજી પરસોતમ, ગામના તત્કાલીન તલાટી મૂળજી ટાપુ ચાવડા,ગોરધન તરસી દેવડા અને મનસુખ નામના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

જે અંગેનો કેસ ચાલી જતા ટંકારા પ્રિન્સિપાલ જજ શ્રીયાદવ સાહેબે તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાની ધ્યાને લઇ આરોપી હમીર ભાણા, તલાટી ચાવડા સહિતના તકસીરવાન સામે કેસ સાબિત માની ખોટી સહીઓ, સોગંદનામા અને સાક્ષીઓ ઉભા કરવા બદલ મુખ્ય આરોપી હમીર ભાણાને ૩ વર્ષની સખત મજૂરી સાથેની કેદ અને તલાટી કમ મંત્રી મૂળજી ટપુ ચાવડાને દોઢ વર્ષની કેદની સજા ફટકારી હતી જો કે આરોપી કેશવજી પરસોતમ વિરુદ્ધ કાવતરામાં સામેલ હોવાના પુરાવા ન મળતા નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો અને બે આરોપીઓ મરણ જતા તેમની સામેનો કેસ અબેટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ફરિયાદી કારુભાઈએ માહિતી અધિકારના કાયદા હેઠળ તમામ પુરાવા એકત્રિત કરી કેસ કર્યો હતો જેથી માહિતી અધિકારનો કાયદો આ કેસમાં નિર્ણાયક અને આશીર્વાદ સમાન બન્યો છે જ્યારે તલાટી નિવૃત થયા હોવા છતાં કૌભાંડમાં ભૂમિકા સાબિત થતા કેદની સજા પડી છે જેને પગલે આ ચુકાદાથી સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text