આજે મોરબી જીલ્લા પંચાયતની કારોબારી : બાગી સભ્યોના ખેલ પર નજર

- text


કારોબારી અધ્યક્ષ સહિતના સભ્યો સામે રૂપિયા 14 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે આજની બેઠકમાં તડાફડી બોલે તેવી શક્યતા

મોરબી : આજે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક યોજાનાર છે,અગાઉ તા.19ના રોજ એજન્ડા મોડા મળવાને કારણે બેઠક મોકૂફ ફહ્યા બાદ કારોબારી ચેરમેન ચીખલીયા સહિતના 14 સભ્યો ઉપર પત્રકાર પરિષદમાં 14 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લાગતા આજે મળનારી કારોબારી બેઠકમાં તડાફડી બોલે તેવા સંકેતો મળી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી જીલ્લા પંચાયતની ગત તા.19 ના રોજ કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જે ટેકનીકલ કારણોસર મોકૂફ રાખવી પડી હતી અને આ કારોબારી બેઠકમાં આવેલા કારોબારી સમિતિના સદસ્ય સરોજબેન વિડજા, ગીતાબેન દુબરિયા, હેમાંગભાઈ રાવલ ઉપરાંત હસમુખભાઈ મુછડિયા, રેખાબેન પટેલ, સહિતના આઠ સદસ્યોએ ભ્રષ્ટાચાર મુદ્દે બૉમ્બ ફોડી જીલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયા, કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયા સહિતના ૧૪ સદસ્યો સામે પત્રકાર પરિષદ સ્ફોટક વિગતો જાહેર કરી હતી.
ઉપરોક્ત કોંગ્રેસના જ સદસ્યોએ જણાવ્યું હતું કે જીલ્લા પંચાયતમાં છેલ્લા દોઢ વર્ષના ગાળામાં જે બિનખેતી ફાઈલો ક્લીયર કરવામાં આવી છે જેમાં ૧૨૫૦ એકર જમીન બિનખેતી કરવા માટે ૧૪ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કારોબારી બેઠકમાં આવતી બિનખેતી ફાઈલો વહીવટ કરીને તેનો નિકાલ કરવામાં આવતા હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસના જ સદસ્યોએ મુક્તા વિધાનસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસનો જૂથવાદ સપાટી પર આવ્યો હતો. દરમિયાન મોકૂફ રખાયેલી કારોબારી બેઠક આજરોજ ફરીથી મળશે જેથી કોંગ્રેસના આઠ સદસ્યો હવે આજની કારોબારીમાં શું કરે છે? શુ ભાગ બટાઈનો વિખવાદ સમી જશે કે વિવાદ વધુ ઉગ્ર બને છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
જો કે કોંગ્રેસમાં જુથવાદ તો પહેલેથી હતો જ પરંતુ ગત કારોબારી બેઠકમાં જુથવાદ સપાટી પર આવ્યો હતો જેને પગલે આજની કારોબારીમાં નવાજૂની થશે અથવા તો ધી ના ઠામમાં ધી પડી જાય તેવા બેવડા સંકેતો માળી રહ્યા છે બીજી તરફ ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે કારોબારી ચેરમેન કિશોર ચીખલીયાએ ભ્રષ્ટાચાર સાબિત કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે ત્યારે આજે કારોબારીમાં શુ થાય છે તે જોવું રહ્યું.

- text

- text