મોરબીના શ્રમયોગીઓ સસ્તા ભોજનથી વંચિત કેમ?

- text


રાજ્ય સરકાર પાંચ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કર્યા પણ મોરબી જેવા ઔદ્યોગિક જિલ્લામાં અમલવારીના અણસાર નથી : એકને ગોળ એકને ખોળ જેવી પરિસ્થિતિ

મોરબી : ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટ શહેરમાં શ્રમયોગીઓને ૧૦ રૂપિયામાં ભોજન આપવાનો પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યા છે અને તમામ શહેરોમાં આવા અન્નપૂર્ણા કેન્દ્રોનો શ્રમિકો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે આ યોજનાનો લાભ ઔદ્યોગિકનગરી મોરબીને ક્યારે મળશે તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
હાલમાં મોરબી જિલ્લામાં ૭૦૦થી પણ વધુ સિરામિક એકમો, ઘડિયાળના કારખાના, લેમીનેટ્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત અન્ય નાના-મોટા ઉદ્યોગોમાં લાખો શ્રમિકો કામ કરી રહ્યા છે. જેમાં મોટાભાગના પરપ્રાંતીય શ્રમિકોની સાથે સ્થાનિક શ્રમિકોની પણ બહુ મોટી સંખ્યા છે અને તમામ ઉદ્યોગોમાં શ્રમિકો ટિફિન લઈને કામ કરવા જાય છે. આ સંજોગોમાં ગુજરાત સરકારની શ્રમયોગી માટેની સસ્તા ભોજનની સુવિધા મોરબીના શ્રમિકો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે.
હાલમાં ગુજરાત સરકારના શ્રમ વિભાગ દ્વારા સેવાભાવિ સંસ્થાઓના સહયોગ થી રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં આ યોજના તળે દરરોજ અન્નપૂર્ણા રથ મારફતે શ્રમિકોને ફક્ત રૂ.૧૦માં ભોજન આપવામાં આવી રહ્યું છે અને તેનો મોટી સંખ્યામાં શ્રમિકો લાભ લઇ રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટને તાકીદે મોરબી જેવા ઔદ્યોગિક શહેરને પણ લાભ મેળવો જરૂરી છે.
શ્રમયોગીઓ માટે સસ્તા ભોજનની યોજના અંગે મોરબીના શ્રમ અધિકારી સુરભીબેન ભપલનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જ આ યોજના અમલમાં મૂકી છે અને મોરબી જિલ્લા માટે હાલમાં સરકારની કોઈ યોજના નથી પરંતુ આવનાર દિવસોમાં મોરબી જિલ્લામાં પણ આ યોજના અમલી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
મોરબીમાં ઔદ્યોગિક વિકાસને કારણે હાલ બાંધકામની સાઈટો પણ મોટા પ્રમાણમાં ચાલી રહી છે અને મોટા મોટા ઔદ્યોગિક બાંધકામો કરવામાં જ હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે જેથી સરકારની આ યોજના ખરા અર્થમાં મોરબીમાં સાર્થક નીવડી શકે તેમ છે. આ યોજનાથી હાલમાં સરકાર દ્વારા ફક્ત બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોને લાભ મળે તેવો આશય રખાયો છે ત્યારે સરકાર ફક્ત બાંધકામ ક્ષેત્ર જ નહિ તમામ ક્ષેત્રે કામ કરતા સરમિકોને આ યોજનાનો લાભ આપી મોરબીમાં સત્વરે આ યોજના અમલી બનાવે તો લાખો શ્રમિકો ને લાભ મળી શકે તેમ છે.⁠⁠⁠⁠

- text

 

- text