વિશ્વ આરોગ્ય દિને સિલિકોસીસના દર્દીઓએ જાગૃતિ ફેલાવી : સરકાર અને સ્થાનિક તંત્ર સમક્ષ મૂકી અનેક માંગ 

- text


યોગ્ય તપાસ થાય તો સિલિકોસીસના દર્દીઓનો આંકડો ખૂબ મોટો આવી શકે : પીડિતો

મોરબી : મોરબીમાં આજે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે સિલિકોસીસના દર્દીઓએ સિલિકોસીસ અંગે જાગૃતિ ફેલાવી હતી. જાહેર રોડ ઉપર દર્દીઓને વિવિધ પોસ્ટરો દેખાડી લોકોને આ અંગે જાગૃત કર્યા હતા. ઉપરાંત તંત્ર સમક્ષ પોતાની માંગ પણ જાહેરમાં મૂકી હતી.

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સિલિકોસીસથી પીડાતા દર્દીઓને જાગૃતિ કાર્યક્રમ યોજયો હતો. જેમાં આઈએલઓના ઠરાવ નં. 155નો સ્વીકાર કરો, બીડી સિગરેટ સ્વર્ગની સીડી, સિલિકાના સંપર્કથી ફેફસા નબળા થાય છે એટલે જલ્દી ટીબી થઈ જાય છે, ટીબીના દર્દીઓને દવા અને માર્ગદર્શન આપો, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સિલિકોસીસ નિયંત્રણ કાર્યક્રમ જાહેર કરે, કામના સ્થળે રાષ્ટ્રીય સલામતી આરોગ્ય અને પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય નીતિ 2009 લાગુ કરો સહિતના પોસ્ટરો દેખાડી દર્દીઓએ પોતાની માંગ પણ જાહેર કરી હતી.

આ વેળાએ સિલિકોસીસના દર્દી મહેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સિલિકા માટી, ક્વાર્ટસ પાવડર અને વધુ પડતી ડસ્ટ ઉડવાથી સિલિકોસીસનો રોગ થાય છે. આને નિવારવા માસ્ક પહેરવા જોઈએ. ડસ્ટ વધુ ન ઉડે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. હાલ મોરબી જિલ્લામાં સિલિકોસીસના 70 દર્દીઓ છે. તેમાંથી 17 તો અત્યંત ગંભીર પરિસ્થિતિમાં છે. જો યોગ્ય તપાસ થાય તો દર્દીઓની સંખ્યાનો આંકડો 800થી 1000નો હોય શકે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે ગુજરાત સરકાર સિલિકોસીસ પુનર્વસન નીતિ લાગુ કરે અને હોસ્પિટલોમા સિલિકોસીસ અંગેની મળતી સુવિધામાં ધ્યાન આપે. એસોસિએશન પ્રમુખો અને કલેકટર મળી આ રોગ વધુ લોકોને ન થાય તેના માટે પગલાં લ્યે.

 

- text