આસુરી તત્વો પર દૈવી શક્તિઓનો વિજય એટલે હોળીનો તહેવાર..

- text


હોળીને ‘હુતાસણી’ તરીકે ઓળખવામાં આવે છે : અલગ-અલગ પ્રાંતોમાં થતી હોળીની વિવિધ ઉજવણી

મોરબી : હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાંની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યારબાદ બધાં લોકો ત્યાં વાજતેગાજતે એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે.

જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં “હોળીકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે. આંધ્ર પ્રદેશમાં હોળીકા દહનનો તહેવાર “કામદહન” તરીકે ઓળખાય છે.

હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.

હોળીની કથા

નરસિંહ ભગવાન દ્વારા હિરણ્યકશ્યપનો વધ

હોળી સાથે પૌરાણીક કથાઓ સંકળાયેલી છે. હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઇપણથી તેનું મૃત્યુ થશે નહીં’, આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી, તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

આ દરમિયાન, હિરણ્યકશ્યપનો પોતાનો દિકરો, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા.

અંતે પ્રહલાદને મારવાનાં ઉદ્દેશથી હિરણ્યકશ્યપે પ્રહલાદને, પોતાની બહેન હોળીકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોળીકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ. આથી, હોળીકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ, હોળીકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

- text

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી કે જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.

હોળી/ધુળેટીની ઉજવણી

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને ‘બીજો પડવો’, ‘ત્રીજો પડવો’ એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયારાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે.

યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમ કે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામલોકો વાજતેગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નીકળે છે, આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે.

હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય, તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની ‘લાણ’ વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.

- text