આજે વિશ્વ જળ દિવસ, મોરબીના લોકો વાપરે છે દૈનિક 6.90 કરોડ લીટર પાણી

- text


વસ્તીવ્યાપ વધતા મોરબી શહેરમાં છેલ્લા 5 વર્ષમાં દૈનિક 1.40 કરોડ લીટર પાણીની જરૂરિયાત વધી

મોરબી : જળ જમીન અને જોરૂ ત્રણ કજિયાના છોરું…. જો પાણી માટે આગોતરું આયોજન અને સંયમ પૂર્વક પાણીનો વપરાશ કરીને બચત નહીં કરવાંમાં આવે તો વર્ષો જૂની કહેવત યથાર્થ સાબિત થશે, આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે વિકાસની હરણફાળ ભરી રહેલા સીરામીક સીટી મોરબીની જળજરૂરિયાત જોઈએ તો હાલમાં મોરબી દૈનિક 6.90 કરોડ લીટર પાણીનો વપરાશ કરી રહ્યું છે, કમનસીબે મોરબી માટે એક માત્ર પાણીનો સ્ત્રોત મચ્છુ-2 ડેમ છે અને વરસાદ ન પડે કે ઓછો પડે તો મોરબીને એક માત્ર નર્મદા યોજના ઉપર નિર્ભર રહેવું પડે તેમ છે.

નગરમાંથી મહાનગર બનવા તરફ આગળ જઈ રહેલા મોરબી શહેરમાં હાલમાં મોરબી નગર પાલિકા દ્વારા દરરોજ 69 એમએલડી એટલેકે 6.90 કરોડ લીટર પાણીનું શહેરીજનોને વિતરણ કરવામાં આવે છે. મોરબી નગર પાલિકામાં હાલમાં 64 હજાર રહેણાંક મિલ્કતો નોંધાયેલ છે જેમાં 51 હજાર બાંધકામ વાળી મિલ્કતો છે જેમાં 34,000 નળ કનેકશનો છે. છેલ્લા પાંચ 5 વર્ષમાં 2 હજાર જેટલા નળ કનેક્શન વધ્યા છે, પાંચ વર્ષ અગાઉ મોરબીની દૈનિક જરૂરિયાત 55 એમએલડી હતી જેની સામે 32,166 જેટલા નળ કનેકશનો હતા પરંતુ વસ્તી વ્યાપ વધતા હાલમાં મોરબીની દૈનિક જળ જરૂરતમાં વધારો થયો છે.

- text

મોરબી નગર પાલિકામાં વોટર વર્કસ વિભાગના હર્ષદભાઈ જણાવે છે કે, મોરબી શહેરમાં દર વર્ષે સરેરાશ 300 થી 400 નળ કનેકશનોનો વધારો થાય છે, શહેરમાં હાલ દરરોજ 69 એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે અને પાણીનો મુખ્ય સ્ત્રોત મચ્છુ 2 ડેમ છે સાથે જ નર્મદા યોજનામાંથી પણ પાણી લેવામાં આવે છે. મોરબી નગર પાલિકા હાલમાં મચ્છુ – 2 ડેમમાંથી 54 mld અને નર્મદા યોજનાનું 15 mld પાણી મેળવી વિતરણ વ્યવસ્થા ચલાવે છે.

ભવિષ્યમાં મોરબી મહાનગર પાલિકા બનતા આજુબાજુના વિસ્તારો ભળી જતા હાલ જે 69 mld પાણીની જરિયાત છે તેમાં 50 mld નો વધારો થવાની શક્યતા છે. પાલિકાના જણાવ્યા મુજબ હાલ તો કોઈ ફરિયાદ નથી.પરંતુ મોરબીમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની રામાયણો શરૂ થઇ ચુકી છે. છેલ્લા 3 દિવસમાં જ 3થી વધુ સોસાયટીના રહીશો પાણી સમસ્યા માટે પાલિકામાં હોબાળો મચાવ્યો છે. ત્યારે આગામી સમયમાં પણ પાણીનો વપરાશ વધતા છેવાડાના વિસ્તારોમાં પૂરતું પાણી ન પહોંચવાની સમસ્યા ઉદ્દભવવાની શક્યતા જોતા મોરબીના રાજનેતાઓએ મોરબીની જળ જરૂરિયાત માટે જક્કર આયોજન કરવું જ પડશે.

- text