કેમિકલનું ટેન્કર ઠાલવવાના પ્રકરણમાં ઘુંટુની ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ : વીજ કનેક્શન પણ કટ

- text


ગ્રામજનોએ ટેન્કર પકડી લઈ લડત આપતા જીપીસીબીએ કરી આકરી કાર્યવાહી : ફાર્મા કંપનીમાં કોઈ રેકોર્ડ પણ ન મળ્યો, સીસીટીવી કેમેરા પણ નહીં 

મોરબી : ઘુંટુ ગામે કેમિકલ ઠાલવવા આવેલું ટેન્કર ગ્રામજનોએ ઝડપ્યા બાદ ગ્રામજનોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે છેક સુધી લડત આપી હતી. અંતે ગ્રામજનોની મહેનત રંગ લાવી છે. જીપીસીબીએ આ કેમિકલ સાથે સંકળાયેલ ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. આ સાથે કંપનીનું લાઈટ કનેક્શન પણ કાપી નખાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં ઘુંટુ ગામમાં કેમિકલયુક્ત ઠલવાઈ રહેલા ટેન્કરને ગ્રામજનોએ ઝડપીને પોલીસને સોંપ્યું હતું. જો કે બાદમાં પોલીસે આ ટેન્કર ચાલક અને ટેન્કરને છોડી મૂક્યા હોય ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. બાદમાં ગ્રામજનોએ જીપીસીબીની ઓફિસે પહોંચી ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. આ મામલે ધારાસભ્યની ઓડિયો કલીપ પણ વાયરલ થઈ હતી.

- text

બાદમાં જીપીસીબીએ ઊંચી માંડલ નજીક આવેલ ક્રિસાન્જ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં તપાસ પણ હાથ ધરી હતી. જ્યાંની પ્રોડક્ટ અને કેમિકલ મેળ ખાતા હોવાનું જણાય આવ્યું હતું. આ ઉપરાંત અહીં કોઈ રેકોર્ડ પણ મળી આવ્યો ન હતો. સાથે સીસીટીવી કેમેરા પણ ન હતા. જેથી જીપીસીબીએ આ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. આ સાથે પીજીવીસીએલે કંપનીનું વીજ કનેક્શન કાપી નાખ્યું હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.

- text