મોરબીમાં નામના પૈસા માંગી યુવાનને માર મરાતા યુવાની પત્નીએ ફિનાઈલ ગટગટાવી 

- text


વિલ્સન પેપરમીલ સામે બનેલા બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથકમાં પાંચ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપર મિલ સામે રહેતા યુવાનના બાકી રહેતા નામના પૈસા માંગી વેપારી સહિતના પાંચ શખ્સોએ યુવાનના ઘેર જઈ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર મારતા આ બનાવથી ગભરાઈ ગયેલ યુવાનની પત્નીએ ફિનાઈલ પી લેતા બન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપર મિલ સામે રહેતા મયુરભાઈ ઉર્ફે રવિ શીવાભાઈ રાઠોડને આરોપી ધમાભાઈ દુકાનવાળાને બાકી નામના પૈસા આપવાના હોવાથી દુકાનદારે પૈસા માંગતા મયૂરભાઈએ હાલમાં પૈસા નથી પછી આપીશ તેમ કહેતા જેમ ફાવે તેમ ગાળો આપી હવે તને પતાવી દેવો જોશે તેમ કહેતા મયુરભાઈ દુકાન પાસેથી ચાલ્યા ગયા હતા. બાદમાં રાત્રિના સમયે આરોપી ધમાભાઈ દુકાનવાળા, નિલેષ ગઢવી, નાગજીભાઈ દેગામા, રવિભાઈ દેગામા અને મીથુનભાઈ નામના શખ્સ મયૂરભાઈના ઘેર આવી ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મારમારી જાનથી મારી નાખવા ધમકી આપતા મયૂરભાઈના પત્ની જ્યોતિબેન ગભરાઈ જતા ફિનાઈલ ગટગટાવી લેતા બન્નેને 108 મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text