મોરબીની એલઈ કોલેજમાં ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ યોજાયો

- text


1968 થી લઈને 2023 સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુ ગેધર યોજાયું

મોરબી : મોરબીની જાણીતી લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ એટલે કે એલ.ઈ. કોલેજ ખાતે લેન્કો એલ્યુમની એસોસિએશન દ્વારા 6 માર્ચના રોજ 13મો ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ શાખાઓ અને વિષયોમાં ટોપ કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને તેમની સિદ્ધિને સન્માનિત કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, લેન્કો એલ્યુમની એસોસિએશન દ્વારા દર વર્ષે ભુતપુર્વ વિદ્યાર્થીઓનું સંગઠન લેન્કો એલ્યુમની એસોસિએશન દ્વારા ગોલ્ડ મેડલ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના મહામારીના કારણે વર્ષ 2021, 2022 અને 2023માં આ કાર્યક્રમ યોજાઈ શક્યો ન હતો. ત્યારે આ વર્ષે તમામ ટોપરને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં કૂલ 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓએ પણ હાજરી આપી હતી.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. ના ચીફ જનરલ મેનેજર અને લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજના ભૂતપૂર્વ વિધાર્થિની ધારા વ્યાસે ઉપસ્થિત રહીને વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અતિથિ વિશેષ લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સીપાલ બી.એમ. સુથારે લેન્કો એલ્યુમની એસોસિયેશનને હરહંમેશ સહયોગ આપે છે અને વિધાર્થીઓના ઉત્કર્ષ માટેની દરેક કામગીરીમાં તેમનો હકારાત્મક અભિગમ પ્રશંસાને પાત્ર હોય છે.

ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશનની સાથે કોલેજના ભૂતપૂર્વ વિધાર્થીઓ માટે ગેટ ટુ ગેધર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 1968 થી લઈને 2023 દરમિયાન પાસ આઉટ થયેલા 225થી વધારે ભૂતપૂર્વ વિધાર્થી મિત્રોએ સાથે મળીને ખુબ આનંદ કર્યો હતો. કોલેજના યુવા વયના વિદ્યાર્થી મિત્રોને ડાન્સ કરતાં જોઈને 50 થી 75 વર્ષની વયના લેન્કો મિત્રો પણ ઝુમી ઉઠ્યા હતા.

ઉપરાંત લેન્કો એલ્યુમિનિ એસોસિયેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હરીશ રંગવાલાના સહયોગથી લેન્કો એલ્યુમની એસોસિયેશન દ્વારા કોલેજમાં 20 ફુલ્લી ઈકવીપડ કોમ્પ્યુટર સાથે નવી લેન્ગવેજ લેબ શરૂ કરવામાં આવી હતી. કોલેજ કેમ્પસમાં લેન્કો એલ્યુમની એસોસિયેશન દ્વારા ફુલ્લી ફર્નીશ્ડ ઓફિસ તૈયાર કરવામાં આવી છે જેથી કોલેજ કેમ્પસમાં આવતા ભૂતપૂર્વ વિધાર્થીઓ હવે ઓફિસમાં બેસીને ગેટ ટુ ગેધરનો આનંદ લઈ શકશે..

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેન્કો એલ્યુમિનિ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અમૃતભાઈ મેનપરા, વાઈસ પ્રેસિડેન્ટ હસમુખભાઈ ઉભડીયા, સેક્રેટરી જયદેવભાઈ શાહ અને નરસંગભાઈ હુંબલે ભારે જહેમત ઉઠાવી હતી. લેન્કો એલ્યુમની એસોસિયેશન મોરબી ચેપ્ટરના પ્રેસિડેન્ટ પરેશભાઈ પટેલનો આ તકે ઉમદા સહયોગ પ્રાપ્ત થયો હતો.

- text