નશીલી કોડીન સીરપનો કાળો કારોબાર ચલાવનાર રવિ પોલીસ સમક્ષ હાજર

- text


મોરબી પોલીસની કાર્યવાહી પૂર્વે બે કન્ટેનર ત્રિપુરા પહોંચી ગયાનો તપાસના ધડાકો

મોરબી : ઝારખંડ રાજ્યના ધનબાદથી મોરબી નશીલી કોડીન સીરપ મંગાવી બાદમાં કિચન સિન્કના બોક્સમાં પેક કરી મોરબીથી ત્રિપુરા મોકલવામાં નશીલી કોડીન સીરપના કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર રવિ મહિપતભાઈ કંડીયા નામનો શખ્સ પોલીસ સમક્ષ નાટકીય ઢબે સામેથી હાજર થતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ માંગવા તજવીજ શરૂ કરી છે. જો કે, અગાઉ પોલીસે પકડી પાડેલા આરોપીઓ પાસેથી સ્ફોટક વિગતો બહાર આવી છે અને પોલીસે દરોડો પાડ્યો એ અગાઉ બે કન્ટેનર નશીલી કોડીન ત્રિપુરા પહોંચી ગઈ હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમીને આધારે તા.3ના રોજ મોરબીના રંગપર ગામની સીમમાં સીતારામ હાર્ડવેર પાછળ આવેલ આર ટાઇલ નામના ગોડાઉનમાં દરોડો પાડી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી ચોખાની આડમાં મોરબીમાં ઘુસાડવામાં આવેલ કોડીન શીરપનો વિશાળ જથ્થો ઝડપી લઈ આરોપી એવા ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા, રહે. રવાપર રોડ, રામકો બંગલો પાછળ વૃંદાવન સોસાયટી વૃંદાવન પેલેસ બ્લોક નં-301, મોરબી મુળ રહે. મોટી મોણપરી તા.વીસાવદર જી.જુનાગઢ, ટ્રક નંબર-TS-06-UB-7789નો ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ, રહે. સારોલા તા.જી. ઉસ્માનાબાદ (મહારાષ્ટ્ર\, કલીનર- મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન,રહે. બોરાભંડ્ડા સાઇડ-3 તા.ખેરતાબાદ જી.હૈદરાબાદ (તેલંગણા) અટકાયતમાં લીધા હતા.

બીજી તરફ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ એવો આરોપી રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ) તા.જી.મોરબી વાળો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પોલીસ સમક્ષ હાજર થતા હાલ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે. નોંધનીય છે કે, મુખ્ય સૂત્રધાર એવો આરોપી રવિ કંડીયા ત્રિપુરાના સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમ સાથે લાંબા સમયથી સંપર્કમાં હોવાનું અને ટાઇલ્સના ધંધાની આડમાં ઝારખંડથી નશીલી કોડીન મંગાવી આરોપી રવિ મોરબીથી ટાઇલ્સના કન્ટેનરમાં કિચન શિન્કના બોક્સમાં કોડીન સીરપ પેક કરીને મોકલતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ રવિ પોલીસ સમક્ષ હાજર થતા હવે પોલીસે ત્રિપુરાના મસુદ આલમ અને નશીલી કોડીન મોકલનાર ઝારખંડના શખ્સની શોધ શરૂ કરી છે.

- text

સમગ્ર મામલે મોરબી એલસીબી ટીમે નઈ દુલ્હન બ્રાન્ડ ચોખાની આડમાં મોરબી સુધી પહોંચેલી નશાકારક કોડીન યુકત કફ સીરપ Triprolidine Hydrochloride & Codeine Phosphate Cough Syrup PHENSEDYL COUGH SYRUP બોટલ નંગ 90,000 કિંમત રૂપિયા 1,84,93,200, ચોખાની બોરીઓ નંગ-630 વજન કીલો 1557750 કિંમત રૂપિયા 4,41,000, ટ્રક નંબર-TS-06-UB-7789 કિંમત રૂપિયા 15 લાખ, મોબાઇલ ફોન નંગ-3 કિંમત રૂપિયા 15000 તથા રોકડા રૂપીયા 7000 મળી કુલ રૂપિયા 2,04,56,200નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text