ધબાય નમઃ મોરબી બાયપાસ ઉપર પુલમાં ગાબડું પડતા એક સાઈડ રસ્તો બંધ

- text


મોરબી ઉપરથી મોટી ઘાત ટળી : શુક્રવારે સવારે સવારે ગાબડું પડીને સળિયા દેખાયા બાદ હવે તો પુલ નીચેનું પાણી પણ દેખાવા લાગ્યું : અધિકારીએ તપાસ ચાલુની કેસેટ વગાડી

મોરબી : મોરબી – કચ્છને જોડતા કંડલા બાયપાસ ઉપર શુક્રવારે સવારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા નકોર મચ્છુ નદી અને મચ્છુ -3 ડેમના પાણી જ્યાં ભરાઈ છે તેવા પુલ ઉપર વિશાળ ગાબડું પડયા બાદ સાંજ સુધીમાં આ ગાબડામાંથી નીચે નદીના પાણી દેખાવા લાગ્યા હતા. જો કે, જાગૃત નાગરિકોને કારણે હાલમાં મોરબી ઉપરથી મોટી ઘાત ટળી છે, રખેને આ ગાબડાં વાળા પુલ ઉપરથી વાહન પસાર થતી વખતે જ દુર્ઘટના સર્જાઈ હોત તો ગોઝારી ઝૂલતા પુલની દુર્ઘટના તાજી થઈ જાત. હાલમાં મોરબી ટ્રાફિક પોલીસે આ જોખમી પુલ ઉપરથી એક તરફ વાહનવ્યવહાર અટકાવી દીધો છે. જોકે સમગ્ર મામલે રાજકોટ માર્ગ અને મકાન વિભાગે તપાસ ચાલુ હોવાની કેસેટ વગાડી હતી.

મોરબીના મચ્છુ-3 ડેમ સાઈટ અને મચ્છુ નદી ઉપર એક વર્ષ પૂર્વે બાંધવામાં આવેલા પુલમાં શુક્રવારે ગાબડું પડ્યા બાદ બપોર સુધીમાં તો ગાબડાની આરપાર નીચે નદીના પાણી વહેતા દેખાવા લાગતા મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાકીદે પુલ ઉપર એક તરફનો માર્ગ બંધ કરાવી દીધો હતો. બીજી તરફ પુલનું બાંધકામ અત્યંત નબળી ગુણવતા વાળુ કરાયું હોવાની ચાડી ખાતા ગાબડામાંથી ધૂળ ખરે તેમ સિમેન્ટ ખરી રહ્યો હોય એક જ વર્ષમાં પુલની આવી હાલત પાછળ ભ્ર્ષ્ટાચાર જવાબદાર હોવાના સંકેત મળી રહ્યા છે.

- text

દરમિયાન સવારે પુલમાં પડેલા ગાબડાં અંગે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ હરકતમાં આવ્યા બાદ આ પુલનું બાંધકામ જેમને કરાવ્યું છે અને સાર સંભાળ જેમની જવાબદારીમાં આવે છે તેવા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઝાલાએ જણાવ્યું હતું કે, ગાબડું કેમ પડ્યું ? ,મટીરિયલમાં ખામી હતી કે પછી બાંધકામ સમયે કોઈ ક્ષતિ રહી હતી તે અંગે હાલમાં એક્સપર્ટ પાસે તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પુલ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટરને હજુ 15 કરોડ જેટલું ચુકવણું પણ બાકી છે ત્યારે એક્સપર્ટના ઓપિનિયન અને નમૂના ચકાસણી બાદ પગલાં લેવામાં આવનાર હોવાનું અને ક્યારે ઓપિનિયન આવે કે ક્યારે સેમ્પલના રિપોર્ટ આવે તે કહી ન શકાય તેમ હોવાનું તેમને જણાવ્યું હતું.

- text