મોરબીમાં આધાર કાર્ડ કઢાવવામાં લોકો નિરાધાર !

- text


નેટ કનેક્ટિવિટી અને ઓછી આધાર કીટના કારણે લોકોને હાલાકી ; બાળકોના આધારકાર્ડ કાઢવામાં બે – બે વાર પ્રોસેસ કરવા છતાં આધારકાર્ડ નીકળતા નથી

મોરબી : ઇન્કમટેક્સ રિટર્ન, ગેસ સબસીડી, શિષ્યવૃતિ, અને મરણના કિસ્સામાં પણ આધારકાર્ડ ફરજીયાત બનવાથી લોકો માટે આધારકાર્ડ અનિવાર્ય બન્યું છે ત્યારે હજુ પણ અનેક લોકો આધારકાર્ડથી વંચિત હોય આધારકાર્ડ માટે સરકારી કચેરીઓમાં લાઈનો લગાવી રહ્યા છે. જો કે, મોરબીમાં આધારકાર્ડ માટે તંત્રની યોગ્ય વ્યવસ્થા ન હોય લોકો આધારકાર્ડ કઢાવવામાં નિરાધાર બન્યા હોવાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે, આખા મોરબીમાં હાલમાં માત્ર પાંચ જ આધાર કીટ કાર્યરત હોય દરરોજ આધારકાર્ડ માટે લાઈનમાં ઉભા રહેતા 230થી 250 લોકો પૈકી માત્ર 120 લોકોના આધારકાર્ડ જ નીકળે છે જયારે બાકીના લોકો ફરી લાઈનમાં ઉભા રહેતા હોય લોકોને આધાર કાર્ડમાં કઢાવવામાં લોકોને ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા છે.

મોરબીમાં હાલ 4 જગ્યાએ આધારકાર્ડની કામગીરી થાય છે. જેમાં શહેર, તાલુકા મામલતદાર કચેરી, ગીબશન મિડલ સ્કૂલ અને પોસ્ટ ઓફિસમાં તંત્ર દ્વારા આધાર કીટ ફાળવવામાં આવી છે પરંતુ નેટ કનેક્ટિવિટીની સમસ્યા અને ઓછી આધાર કીટના કારણે લોકોને કચેરીમાં આખો દિવસ તપ કર્યા બાદ પણ આધારકાર્ડ ન મળતા ફરી કચેરીમાં કતારમાં ઉભું રહેવું પડે છે. મોરબી સીટી મામલતદાર કચેરીમાં 3 કીટમાંથી એક કીટ છેલ્લા છ માસથી બંધ છે. બે કીટ ચાલુ એમાં સિસ્ટમ છ વર્ષ જૂની હોવાથી આધારકાર્ડ નીકળતા વાર લાગે છે અને એક આધાર કાર્ડ નીકળતા 20 થી 25 મિનિટ થાય છે. આ સેન્ટરમાં દરરોજના 20 જ ટોકન આપવામાં આવે છે અને આધાર કાર્ડ કઢાવવા વાળા 40 થી વધુ લોકો હોય છે એટલે અડધા લોકોને પરત જવું પડે છે. લોકો સવારે 8.30 વાગ્યાથી આધારકાર્ડ કાઢવવા આવી જાય છે અને સેન્ટર 10 વાગ્યા પછી ખુલે છે અને ત્યાર પછી 2 કલાકે વારો આવે છે એટલે લોકોને આધારકાર્ડ કઢાવવું હોય કે અપડેટ કરાવવું હોય તો મિનિમમ 3 કલાકનો સમય બગાડવો પડે છે.

જયારે તાલુકા મામલતદાર કચેરીમાં 3 કીટ ફાળવાઈ છે જેમની એક કીટ છેલ્લા ત્રણ – ચાર દિવસથી બંધ હાલતમાં છે અને હાલમાં બે જ કીટ ચાલુ છે ત્યાં દરરોજના 60 લોકોનો વારો આવે છે. સ્ટાફના જણાવ્યા મુજબ બે કીટમાંથી એક કીટ પરત જિલ્લામાં મોકલવાની હોવાથી હવે એક કીટથી કામ જ ચલાવવું પડશે એટલે હવે લોકોને હાલાકી પડી શકે છે. જયારે 5 વર્ષથી નીચેના બાળકો માટે મોરબીની ગીબશન મિડલ સ્કૂલ ખાતે કેન્દ્ર કાર્યરત છે ત્યાં પણ બે માંથી એક જ કીટ ચાલુ છે, બીજી કીટ ઓપરેટર ન હોવાના કારણે બંધ છે. ત્યાં દરરોજના 25 જેટલા આધારકાર્ડ નીકળે છે અને દરરોજ 50 જેટલા લોકો આવે છે એટલે ત્યાં પણ અડધા નાગરિકોને પરત જવું પડે છે.જયારે પોસ્ટ ઓફિસમાં એક જ કીટ છે જે છેલ્લા 4 દિવસથી બંધ છે. પોસ્ટ ઓફિસમાં દરરોજ 40 જેટલા લોકો આવે છે અને 25 જેટલા આધારકાર્ડ નીકળી શકે છે. કીટ બંધ હોવા અંગે પોસ્ટ માસ્તર પરાગ વસંતએ જણાવ્યું હતું કે આધાર કીટ એક બે દિવસમાં શરૂ થઇ જશે.

- text

જૂની કોમ્પ્યુટર સીસ્ટમથી કામ થતું ન હોય રાજીનામુ મુકવાના છીએ : ઓપરેટર

મોરબી શહેર મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટર દિશા સોલંકીએ જણાવ્યું હતું કે સિસ્ટમ જૂની હોવાથી આધાર કાર્ડ કાઢવામાં વાર લાગે છે અને લોકોનું અમારે સાંભળવું પડે છે. ઉપરથી ડોક્યુમેન્ટમાં અપડેટ આવે એ અમને જાણ પણ નથી કરતા જેના કારણે અમારે પેનલ્ટી ભરવી પડે છે એક ઓપરેટરને છ મહિનામાં 35 હજારની પેનલ્ટી આવી છે. અહીં નેટ કનેક્ટિવિટી પણ સુવિધા નથી જેથી અમારે મોબાઈલ નેટથી ચલાવવું પડે છે. આ ઉપરાંત ઓફિસમાં પંખા પણ નથી એટલે પૂરતી સુવિધા પણ નથી

સવારના 8.30 ના આવ્યા છતાં વારો નથી આવ્યો : અરજદાર

મોરબી સીટી મામલતદાર કચેરીએ આધારકાર્ડ કઢાવવા આવેલ ઇલાબેન જણાવે છે કે અમે સવારે 8.30ના આવ્યા છીએ પરંતુ 11.30 થવા છતાં હજી અમારો વારો આવ્યો નથી જયારે 70 વર્ષના વૃદ્ધા નસીમબેન જણાવે છે કે, અમે 9 વાગ્યાના આવ્યા 11.30 થાય હજી વારો નથી આવ્યો, અહીં બેસવાની પણ સુવિધા નથી.

- text