તા.15 માર્ચથી નર્મદા કેનાલ બંધ કરવાનો નિર્ણય પરત ખેંચવા “આપ”ની માંગ

- text


ખેડૂતોએ ઉનાળુ સિઝન માટે બિયારણ ખાતર ખરીદી લીધા છે ત્યારે આ નિર્મયથી નુકશાનની ભીતિ

હળવદ : નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી સિંચાઇ માટેની નર્મદા યોજનાની કેનાલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણય થી ખેડૂતો વ્યાકુળ હોવાનું અને હાલમાં ઉનાળુ વાવણી નો સમય પાકી ગયો છે ખેડૂતો એ મોંઘા બિયારણ અને ખાતર પણ ખરીદી કરી લીધી છે ત્યારે હવે વાવણી કરવી કે કેમ? કેનાલ ચાલુ થશે કે કેમ? ખેડૂતો મૂંઝવણ માં મુકાયા હોય તાકીદે કેનાલ ચાલુ કરવા આમ આદમી પાર્ટીના કિશાન સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે.

- text

આમ આદમી પાર્ટીના કિશાન સંગઠનના પ્રમુખ રાજુ કરપડાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરતા જણાવ્યું છે કે, નર્મદા ડેમ સિંચાઈના હેતુ માટે જ બન્યો છે. સરદાર સરોવર ડેમમાં હાલ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તો પણ કેમ ખેડૂતોને મળતા પાણીમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસુ સીઝનમાં વાતાવરણ અનુકૂળ ન હોવાથી ખેડૂતોનું પાક ઉત્પાદન ખૂબજ ઘટયું હતું સાથે જ પાકનો પૂરતો ભાવ પણ ન મળવાથી ખેડૂતોએ ખરીફ સીઝન માં ખુબ જ મોટું નુકશાન ભોગવ્યું છે જે ભરપાઈ કરવા માટે ઉનાળુ સીઝન લેવી ખેડૂતો માટે ખૂબ જ જરૂરી છે. આ સમયે કેનાલ બંધ કરવાનો નિર્ણય ખેડૂતો પર ઘાતક સાબિત થશે માટે તત્કાલિક ધોરણે નિર્ણય પરત ખેંચવામાં આવે અને કેનાલો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી છે.

જો સરકાર અને નિગમ આ મુદ્દે વિચારણા કરી નિર્ણય પરત નહીં ખેંચે તો ચૂંટણી પ્રચાર સમયે નેતાઓ ખેડૂત ના આક્રોશ નો ભોગ બનશે તેવી રજૂઆતના અંતે ચેતવણી પણ ઉચ્ચારવામા આવી છે.

- text