વિધાનસભામાં કાંતિલાલે આપ્યું પ્રવચન : બજેટમાં મોરબીને લાભો આપવા બદલ માન્યો આભાર

- text


મોરબીને મહાપાલિકાનો દરજ્જો, અગરિયાઓને સુવિધાઓ અને જેટીને મંજૂરી આપવા સહિતના નિર્ણય બદલ મુખ્યમંત્રી અને મંત્રીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

મોરબી : નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા અંદાજપત્રને અનુમોદન આપતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિવિધ વિષયોની ચર્ચા કરી મોરબીને મળેલા લાભો અને મળતી સુવિધાઓ વિષે અનુભવપૂર્ણ પ્રવચન આપ્યું હતું.

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો તથા કૃષિ કોલેજ ફાળવાતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માન્યો હતો. મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગ વિશે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે મીઠાના અનેકવિધ ઉપયોગો છે. મીઠાના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત ત્રીજા ક્રમે છે. સમગ્ર ભારતના મીઠાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 70% જેટલો છે, જે પૈકી મોરબી જિલ્લામાં પણ ઉલ્લેખનીય માત્રામાં મીઠું ઉત્પાદન થાય છે. વિશ્વના 55 જેટલા દેશોમાં મીઠાની નિકાસ કરીને ભારત કીમતી હૂંડિયામણ પણ મેળવે છે.

મીઠાના મોટા ઉત્પાદકો ઉપરાંત 10 એકર મીઠું ઉત્પાદન કરનારા અગરિયા અને શ્રમિકો માટે તત્કાલીન મુખ્યમંત્રી અને લોકપ્રિય વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિશેષ પ્રોત્સાહન તથા સુવિધાઓ આપી છે જેને અન્ય તમામ મુખ્યમંત્રીઓએ આગળ ધપાવી છે.

થોડા સમય પહેલા મોરબી વિસ્તારના મીઠા ઉદ્યોગોના પ્રશ્નો માટે બહોળા પ્રતિનિધિમંડળ સાથે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા વનમંત્રી મુળુભાઈ બેરા સમક્ષ પ્રશ્નોની રજુઆત કરી હતી અને મહદ અંશે તમામ પ્રશ્નોનો તુર્ત જ નિકાલ લઈ આપવા બદલ બંને મહાનુભાવોનો પણ આભાર માન્યો હતો.

- text

મોરબી જિલ્લામાંથી જ મીઠાની નિકાસ થાય તે માટે સરકારએ નવી જેટ્ટી મંજૂર કરવામાં આવતા સરકારને અભિનંદન પાઠવ્યા હતા. મીઠા ઉદ્યોગને પીવાના કે સિંચાઈના પાણીથી નુકસાન ન જાય તે માટે મોરબી-માળીયા તાલુકાના લગભગ તમામ ગામ તળાવ તથા સીમ તળાવોને ઈન્ટરલિંક કરી તળાવો ભરવાની બહુલાભિત, રૂ.150 કરોડથી વધારે રકમની યોજના લઈ આવવા માટે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.

સાથે સાથે મીઠા ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોના બાળકોને ઉચિત રીતે શિક્ષણ મળી રહે તે માટે ટી.વી. પંખા અને અન્ય વિશેષ સુવિધા ધરાવતી સ્કૂલ ઓન વ્હીલ ચલાવવા માટે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરનો પણ આભાર માન્યો હતો. એકંદરે અમૃતકાળનું ગુજરાતનું આ બજેટ ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જશે એવો આશાવાદ વ્યક્ત કરી માનનીય નાણામંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીને કાંતિભાઈ અમૃતિયાએ અંદાજપત્રને અનુમોદન આપ્યું હતું.

- text