હળવદના ખેતરડી ગામેથી વિદેશી દારૂની 300 બોટલ સાથે એક ઝડપાયો

- text


શનિવારે રાત્રે હળવદ પોલીસે દરોડો પાડ્યો, સુરેન્દ્રનગરના નાળધ્રી ગામના સપ્લાયરનું નામ ખુલ્યું 

હળવદ : હળવદ પોલીસે ગત રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેણાક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 300 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ સુરેન્દ્રનગરના નાળધ્રી ગામના સપ્લાયરનું નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના ખેતરડી ગામે નવી પ્રાથમિક શાળા પાસે રહેતો આરોપી સુરેશભાઈ જવાભાઇ દેકાવાડીયા નામનો શખ્સ પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે આરોપી સુરેશભાઈ જવાભાઇ દેકાવાડીયાના રહેણાંકમાં દરોડો પાડતા રહેણાંકમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 300 બોટલ અને રૂપિયા 5000ની કિંમતનો મોબાઈલ મળી આવતા પોલીસે કુલ મળી રૂપિયા 1,33,160નો મુદામાલ કબ્જે કરી આરોપી સુરેશને અટકાયતમાં લીધો હતો.

- text

વધુમાં પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા આરોપી સુરેશભાઈ જવાભાઇ દેકાવાડીયાની પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના નાળધ્રી ગામે રહેતો આરોપી પ્રવિણસિંહ જીલુભા ઝાલા નામનો શખ્સ આપી ગયો હોવાની કબૂલાત આપતા હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text