વકીલ દાંડિયારાસ રમવા ગયા અને તસ્કર કારમાંથી સોનાનો સેટ ચોરી ગયા 

- text


મોરબી લગ્નપ્રસંગમાં આવેલા જામખંભાળીયાના વકીલની ગાડીનો કાચ તોડી તસ્કર રૂ.1.53 લાખની કિંમતનો ચાર તોલા સોનાનો સેટ ચોરી જતા ફરિયાદ 

મોરબી : જામખંભાળીયાથી પરિવાર સાથે મોરબી લગ્ન પ્રસંગમાં આવેલા વકીલ મેરેજ હોલમાં દાંડિયારાસ રમવા ગયા અને પાછળથી પાર્ક કરેલી કારમાંથી તસ્કર રૂ.1.53 લાખની કિંમતનો ચાર તોલા સોનાનો સેટ ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ચોરીની આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ જામખંભાળિયા ખાતે રહેતા અને વકીલાત કરતા કિરીટભાઈ મનસુખભાઇ નિમાવત ગત તા.27 જાન્યુઆરીના રોજ મોરબી તેમના સંબંધીને ત્યાં લગ્નપ્રસંગમાં આવ્યા હતા અને રાત્રીના વાવડી રોડ ઉપર આવેલ પવિત્ર હોલમાં દાંડિયારાસનો પ્રસંગ હોય વકીલ અને તેમનો પરિવાર પવિત્ર હોલ પાસે કાર પાર્ક કરી દાંડિયારાસ રમવા ગયા હતા.

- text

બાદમાં રાત્રીના દાંડિયારાસ પુરા થતા ફરિયાદી કિરીટભાઈ મનસુખભાઇ નિમાવત પોતાની પાર્ક કરેલી ગાડી પાસે આવતા ગાડીમાં પાછળની સીટ પાસેનો કાચ તૂટેલો જોવા મળતા ગાડી ચેક કરતા કિરીટભાઈના પત્નીનું પર્સ ગુમ થઇ ગયું હતું. આ પર્સમાં કિરીટભાઈના પત્નીનો સોનાનો ચાર તોલાનો સેટ કિંમત રૂપિયા 1,53,990 સેટ પડ્યો હોય વકીલ કિરીટભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ગાડીના કાચમાં રૂપિયા 3000નું નુકશાન કરી રૂ.1,53,990 નો સોનાનો સેટ ચોરી જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text