આભાર ! મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા ચોરતરફથી અભિનંદનનો વરસાદ 

સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજી દેથારિયા, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે પણ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા 

મોરબી ભારતનું સર્વશ્રેષ્ઠ મહાનગર બનશે : ઉદ્યોગપતિ નિલેશ જેતપરીયા

મોરબીમાં બાગ -બગીચા, સારા માર્ગો ટ્રાફિક સમસ્યાના અંતની સાથે સુનિયોજિત વિકાસનો માર્ગ ખુલ્યો : સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા 

મોરબી : ગુજરાત સરકારે આગામી વર્ષ 2024-25ના બજેટમાં મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરતા મોરબીમાં દિવાળી જેવા માહોલ વચ્ચે લોકોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે ત્યારે શાસક પક્ષ તો ઠીક મોરબીમાં વિપક્ષ કોંગ્રેસે પણ ગુજરાત સરકારની આ જાહેરાતને હરખે વધાવી અભિનંદન પાઠવ્યા છે. મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત બાદ સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજી દેથારિયા, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે પણ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ સીરામીક ઇન્ડસ્ટ્રીઝના હોદેદારોએ જેમ મોરબીએ સિરામિકમાં વિશ્વમાં નામના મેળવી છે તે જ રીતે મહાનગર બન્યા બાદ સુનિયોજિત વિકાસ સાથે મોરબી વિશ્વમાં શ્રેષ્ઠ શહેર બનશે તેવી આશા વ્યક્ત કરી છે.

આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ પટેલે રજૂ કરેલા વર્ષ 2024 -2025ના બજેટમાં મોરબી સહીત રાજ્યની સાત નગર પાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરતા મોરબીના વતની રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સંયુક્ત નિવેદનમાં તેઓએ કરેલી રજુઆત સરકારે હકારત્મક અભિગમ સાથે સ્વીકારી હોવાનું જણાવી મુખ્યમંત્રીનો આભાર માની આવનાર દિવસોમાં મોરબી વિકસિત નગરી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી, એ જ રીતે મોરબી – માળિયાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા સહિતનાઓએ પણ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

દરમિયાન મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાના ગુજરાત સરકારના નિર્ણયને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને મોરબી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે પણ આવકારી વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર મોરબી નગરપાલિકામાં વહીવટદાર શાસનનો અંત લાવી કર્મનિષ્ઠ અધિકારીઓની નિમણુંક કરી મોરબીનો વિકાસ શરૂ કરે તેવી ટકોર સાથે ગુજરાત સરકારનો મોરબી વતી આભાર પ્રગટ કર્યો હતો.

બીજી તરફ મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ મોરબીને મહાનગર પાલિકાનો દરજજો આપવાના સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, મોરબીના વિકાસ માટે મહાનગરપાલિકાની તાતી જરૂરત હતી જે સરકારે પૂર્ણ કરતા મોરબીના આજુબાજુના ગામોનો સમતોલ વિકાસ થવાની સાથે મોરબીની પ્રજાને બાગ, બગીચા, સારા માર્ગો અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ સાથે સુનિયોજિત વિકાસ મળશે સાથે જ મોરબી મહાનગર બનતા જમીનોની કિંમત પણ વધશે તેમ જણાવ્યું હતું.

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને સીરામીક એસોશિએશન પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળવાની બાબતને મોરબી માટે ઐતિહાસિક ઘડી ગણાવતા કહ્યું હતું કે જેમ મોરબી આજે વિશ્વકક્ષાએ સીરામીક પ્રોડક્ટમાં નામના મેળવી છે એવી જ નામના મોરબી શહેર પણ મેળવશે, મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની સાથે ગુજરાત સરકાર સનિષ્ઠ અને દીર્ઘદ્રષ્ટા અધિકારીઓની નિમણુંક કરી મોરબીનો બેનમૂન વિકાસ કરી ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં મોરબી સર્વશ્રેષ્ઠ નગરી બને તેવી આશા વ્યક્ત કરી આવનાર દિવસોમાં દુનિયાભરના ખરીદદાર વર્ગ મોરબી આવનાર હોય તે દિશામાં મોરબીનો વિકાસ કરવા ભાર મુક્યો હતો.