આમા વસ્તી વધારો કેમ નિયંત્રિત થાય ! મોરબી આરોગ્ય વિભાગ સ્ત્રી નસબંધી કામગીરી પ્રત્યે ઉદાસીન

- text


આશાવર્કર્સ બહેનો સ્ત્રી નસબંધીના કેસ શોધી લાવે તો તંત્રને ઓપરેશનની ફુરસદ નથી : નસબંધી કરાવનાર બહેનોને 1400 રૂપિયા ભાડાભથ્થાના આપવાના પણ બંધ કરી દેવાયા : તંત્રને લેખિતમાં ફરિયાદ કરાઈ

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીની ઢીલી નીતિના કારણે હાલમાં જિલ્લામાં સ્ત્રી નસબંધીના ઓપરેશનો કરવાની કામગીરી મંથર ગતિએ કરવામાં આવતી હોવાની ફરિયાદ ખુદ ગ્રાસરૂટ લેવલના કાર્યકર એવા આશાવર્કર્સ બહેનોએ ઉઠાવતા જિલ્લા આરોગ્ય વિભાગ વસ્તી નિયંત્રણની રાષ્ટ્રીય કામગીરી પ્રત્યે ઉદાસીન હોવાનું ફલિત થઈ રહ્યું છે. બીજી તરફ અન્ય જિલ્લાના સ્ત્રી નસબંધીને પ્રોત્સાહન માટે મહિલાઓને લાવવા લઈ જવા માટે વાહનની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવે છે તેનાથી ઊલટું મોરબી જિલ્લામાં લાભાર્થી બહેનોને રૂ.1400ની ભાડા ભથ્થાની સવલત પણ બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે સતત દોડતા રહેતા આશાવર્કર્સ બહેનોએ જિલ્લા પંચાયતના સીડીએચઓ અધિકારીને અત્યંત ગંભીર કહી શકાય તેવી લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઘેર ઘેર ફરી આશા બહેનો મહામહેનતે સ્ત્રી નસબંધીના કેસ શોધી લાવે છે પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા દર મંગળવારે અને ગુરુવારે યોજાતા એલટીએલ એટલે કે, લેપ્રોસ્કોપિક ટ્યુબલ લિગેશનના નસબંધીના ઓપરેશન માટે દૂરસુદુરથી આવેલ બહેનોને આજના ટાર્ગેટ પૂર્ણ થયા આજે ઓપરેશન નહિ થાય તેવા જવાબ આપી ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

વધુમાં મોરબી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સ્ત્રી નસબંધીના ઓપરેશનો કરવામાં મહિલાઓ સાથે થતી હેરાનગતિ મામલે આગાઉ મહિલા સીડીએચઓને મૌખિક રજુઆત કરવા છતાં પણ પ્રશ્ન ન ઉકેલવામાં આવતા આશા બહેનોએ લેખિત ફરિયાદ કરી છે. વધુમાં મોરબી સિવાયના અન્ય જિલ્લામાં સ્ત્રી નસબંધી ઓપરેશનના લાભાર્થી બહેનોને રૂ.1400 ભાડા ભથ્થા માટે આપવામાં આવે છે. મોરબી જિલ્લામાં તો સ્ત્રી નસબંધી માટે આવતા બહેનોને અગાઉ મળતી વાહન સુવિધા પણ છીનવી લેવામાં આવતા હાલમાં આશા બહેનોને અને નસબંધી માટે આવતા બહેનોને ઘરના ભાડા ખર્ચીને આવવું પડે છે જેમાં મોરબી આવ્યા બાદ આજે ઓપરેશન નહિ થાય તેવા જવાબ મળતા હોય જિલ્લામા નસબંધી કામગીરીને માઠી અસર પડી છે.

- text

દરમિયાન મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના એડીએચઓ ડો.મહેતાએ સ્ત્રી નસબંધી ઓપરેશનની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, નસબંધી ઓપરેશનમા ગુણવત્તા જાળવવા એક દિવસમાં 30 ઓપરેશન કરી શકાય છે, સંજોગો વસાત ક્યારેક બહેનોની સંખ્યા વધી હોય તો લાભાર્થીને આગલા કેમ્પમાં સમાવી લેવામાં આવતા હોય છે અને સ્ત્રી નસબંધીના લાભાર્થીઓને નિયમ મુજબ 1400 રૂપિયા ચુકવવામાં આવતા હોવાનું સ્પષ્ટ કરી ચાલુ જાન્યુઆરી માસમાં જ જિલ્લામાં નસબંધીના 470 ઓપરેશનો કરવામાં આવ્યા હોવાનું તેમને જણાવ્યું હતું.

- text