ઉડી ઉડી જાયે : આજે ઉત્તરાયણના પર્વે, કાપ્યો છે.. લપેટ લપેટ.. જેવી કિકિયારીઓથી ગુંજી ઉઠશે અગાશીઓ

- text


ખગોળીય દૃષ્ટિએ 15 જાન્યુઆરીએ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરશે

ખરમાસની સમાપ્તિ થતાં એક મહિનાથી રોકાયેલા માંગલિક કાર્યોનો પ્રારંભ થશે

મોરબી : ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. મકરસંક્રાંતિ એ મહત્વનાં તહેવારો પૈકી એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે અંધારા આકાશમાં પતંગ સાથે બાંધીને ‘ફાનસ’ ઉડાડે છે, જેને ‘ટુક્કલ’ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિનો બીજો દિવસ ‘વાસી ઉત્તરાયણ’ તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.

મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી અને ચિકી ખાય છે.

સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે, જે 14 જાન્યુઆરીએ હોય છે. ઇ.સ. 2016થી ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીના દિવસે હોય છે. આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

માંગલિક કાર્યોનો આરંભ

માન્યતા અનુસાર જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકર સંક્રાંતિ થાય છે. મકર રાશિના સ્વામી શનિ ગ્રહ છે આ રીતે સૂર્યદેવ વિવિધ રાશિઓમાં પ્રવેશ કર્યા બાદ પોતાના પુત્રના ઘરે પહોંચે છે. સૂર્યના મકર રાશિમાં આવતાની સાથે જ ખરમાસની સમાપ્તિ પણ થઈ જાય છે અને એક મહિનાથી રોકાયેલા માંગલિક કાર્ય પણ શરૂ થઈ જાય છે. સૂર્ય સતત ગતિમાન રહે છે. મકર સંક્રાંતિની સાથે જ સૂર્ય ઉત્તર દિશાની તરફ ચાલે છે. એટલે કહેવાય છે કે આ દિવસે સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે.

- text

મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.

સૂર્ય છ મહિના સુધી મકર રાશિમાંથી મિથુન રાશિ સુધી ઉત્તર દિશાની તરફ પ્રયાણ કરે છે. જ્યારે આવતા છ મહિનામાં સૂર્યદેવ કર્ક રાશિથી ધન રાશિ સુધી દક્ષિણ દિશામાં વિચરણ કરે છે, જેને સૂર્યનું દક્ષિણાયન કહેવામાં આવે છે. સૂર્યના ઉત્તરાયણ થવાથી પણ દરેક માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે.

- text