માતૃપ્રેમનું કરૂણ ઉદાહરણ : માતાના નિધન બાદ તેના મૃતદેહ સામે પુત્રએ પણ દેહ છોડ્યો 

- text


મોરબીના જેતપર ગામની કરુણ ઘટના : માતાને પોતાનું સર્વસ્વ માની કર્તવ્ય નિષ્ઠ પુત્ર તરીકે ફરજ બજાવતો પુત્ર માતાના અવસાનનો આઘાત જીરવી ન શકતા હાર્ટ એકેટથી તેનું પણ મોત થયું, માતા-પુત્રની એકસાથે અર્થી ઉઠતા પરિવાર હિબકે ચડ્યો

મોરબી : માવતર સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય અને સલામતી માટે પોતાની જાત સમર્પિત કરી દેતા હોય અને સામાપક્ષે પુત્ર પણ માવતરના સંસ્કારને પગલે ચાલીને માવતરને પોતાના જીવનનું સર્વસ્વ એટલે ઈશ્વર માનીને પૂજા કરતો હોય ત્યારે ખાસ કરીને વાત્સલ્યમયી માતાના અવસાનનો આઘાત પુત્ર કેવી રીતે જીરવી શકે ? આવી જ વાત્સલ્યમયી માતા અને કર્તવ્યનિષ્ઠ પુત્ર વચ્ચેની આત્મીયતાએ મોરબીના જેતપર ગામે અંત્યત કરુણ ઘટના સર્જી છે. જેમાં જનની જોડ સખી નહિ મળે રે લોલ.. ની જેમ માતા પ્રત્યે ઈશ્વર જેવી લાગણી ધરાવી તેમની સેવા માટે હરહમેંશા તત્પર રહેતા પુત્રને આજે તેમની વત્સલ્યમૂર્તિ માતાના અવસાનનો એટલો ઊંડો આઘાત લાવ્યો હતો કે તેમનું પણ હાર્ટ એકેટથી મોત નીપજ્યું હતું. માતા-પુત્રની આજે એકસાથે અર્થી ઉઠતા તેમનો પરિવાર હિબકે ચડ્યો હતો.

- text

મોરબીના જેતપર ગામે રહેતા આશરે 80 વર્ષીય ગોદાવરીબેન અમરશીભાઈ અઘારાનું આજે વહેલી સવારે વૃદ્ધાવસ્થાને કારણે અવસાન થયું હતું. ગોદાવરીબેન પાંચ પુત્રો હોય અને એમના એક પુત્ર સુખદેવભાઈ હાલ ખેતી કરતા હોય તેમને એક પુત્ર છે. ત્યારે પોતાની માતાએ પોતાનું લાલન પાલન અને પોષણ કરવામાં કઈ બાકી રાખ્યું ન હોય અને પોતે કષ્ટો વેઠી ભણાવી ગણાવી મોટા કરીને પરણાવીને સુખી સંસાર વસાવી દીધો હોવાથી તેમના પુત્ર સુખદેવભાઈ અમરશીભાઈ અઘારા પણ એક કર્તવ્યનિષ્ઠ પુત્ર તરીકેની તમામ ફરજો નિભાવી માતા પ્રત્યે અનેરી મમતામયી લાગણી ધરાવતા હોય અને એ મમતાની પ્રેમાળ છત્રછાયા છીનવાઈ જતા તેમને ઊંડો આઘાત લાગ્યો હતો. માતાના આવસાનની ખબર પડતાં પુત્ર સુખદેવભાઈ માતાનો વિયોગ સહન ન કરી શકતા પહેલા તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા બાદ ત્યાં પ્રાથમિક ઉપચાર કરી હવે ઘરે જઈને માતાની અંતિમવિધિ પુરી કરીને પછી વધુ સારવાર લેવા જવાનું નક્કી કર્યું હોય પણ ઊંડો આઘાત લાવ્યો હોય વધુ છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે મોરબી ખાતે લઈ જતી વખતે રસ્તામાં જ પુત્રનું પણ હાર્ટ એકેટથી મોત થયું હતું.માતાની સ્મશાન યાત્રા પણ ન નીકળી હોય ત્યારે પુત્રનું પણ અવસાન થતાં ભારે હૈયે બન્ને માતા પુત્રની એકસાથે સ્મશાન યાત્રા નીકળતા તેમનો પરિવાર ચોધાર આસુંએ રડી પડતા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.

- text