મોરબી નજીક નવી જીઆઇડીસી સામે પાનેલી અને જાંબુડિયા ગામનો વિરોધ

- text


પાનેલી ગામ પહેલેથી પ્રદૂષણથી પ્રભાવિત હોય હવે નવી જીઆઇડીસીથી વધુ પ્રદુષણ ફેલાવાની દહેશત વ્યક્ત કરાઈ

જીઆઇડીસી સામે વિરોધની અરજી અમારા ધ્યાને આવી ન હોવાનું જિલ્લા કલેક્ટરનું કથન

મોરબી : મોરબીના પાનેલી રોડ નજીક રાજ્ય સરકાર દ્વારા નવી જીઆઇડીસી બનાવવા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પાનેલી અને જાબુડિયા ગામે જીઆઇડીસી સામે વિરોધ નોંધાવ્યો છે. પાનેલી અને જાંબુડિયા ગ્રામ પંચાયતે રાજ્યના મહેસુલ મંત્રીને રજુઆત કરીને આ ગામ નજીક હાલ ઘણા કારખાનાઓનું પહેલેથી પ્રદુષણ હોય હવે નવી જીઆઇડીસીને કારણે ઉદ્યોગ આવતા પ્રદુષણ બેકાબુ બનશે અને બન્ને ગામની વીસેક હજાર વસ્તીના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થશે તેવી દહેશત વ્યક્ત કરી છે.

મોરબીના પાનેલી અને જાબુડિયા ગ્રામ પંચાયત અને પાનેલીના સરપંચ ગૌતમભાઈ હડિયલે રાજ્યના મહેસુલ મંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લા વહીવટી તંત્રએ આ બન્ને ગામને જાણ કર્યા વગર કે મંજૂરી વગર પાનેલી અને જાંબુડિયા વચ્ચે ખરાબામાં જમીન ફાળવી તે જમીનમાં હાલ નવી જીઆઇડીસી બનાવવામાં આવી રહી છે. જીઆઇડીસીના પ્રાદેશિક મેનેજરે આ બન્ને ગ્રામ પંચાયતની ઉપરવટ જઈને આગોતરો હુકમ કરી તમામ શરતોનું પાલન કર્યું નથી. જેમાં વોટર બોડીના નીતિ નિયમોનો સરેઆમ ઉલાળીયો કરી પાનેલીના સૌથી મોટા તળાવમાં આવતા વરસાદી પાણીના વોકળા અને વહેણો તેમજ મુખ્યમાર્ગ પણ બુરી નાખી ઉપરથી ગુગળ, બાવળ, ગોરળનું નિકંદન કરી પર્યાવરણને નુકશાન કરવાની સાથે આ જીઆઇડીસી માત્ર 200 મીટર જ દૂર હોવાથી પાનેલીનું તળાવ પણ પ્રદુષિત થાય તેવી ભીતિ દર્શાવી છે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, પાનેલી અને જાંબુડિયા વચ્ચે સર્વે નંબર 140 અને 146ની જમીનમાં નવી જીઆઇડીસી બનાવવા માટે હજુ તો લેવલ કરવા રસ્તાનું કામ ચાલુ હોય હજુ બાંધકામ થયું નથી. એક વર્ષ અગાઉ જીઆઇડીસી માટે સર્વે કરાયો ત્યારે ને તે અધિકારીએ આ જગ્યા છોડી દેશું એવું કહ્યું હતું. પછીથી ફરી જઈને તંત્રએ એ જ જગ્યા આખે આખી લઈ લીધી અને જૂના નકશામાં રહેલા સિમ માર્ગ, મોરબીનો રોડ, વાયા જાંબુડિયા રોડ અને ત્રણ ખાનગી સર્વે નંબર નવી માપણી સીટમાં દર્શાવ્યા જ નહીં અને 1993 વખતનું જૂનું ગામતળને જીઆઇડીસીમાં લઇ લીધું,

વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે, હાલમાં અહીંયા પ્રદુષણ તો છે જ ત્યારે પાનેલી રોડ ઉપર કારખાના હોવાથી તેનું બેહિસાબ પ્રદુષણ ફેલાય છે તેવામાં હવે નવી જીઆઇડીસીમાં સંભવિત સીરામીક અને કેમિકલને લગતા જ કારખાના આવે તો બન્ને ગામની 20 હજારની વસ્તીના સ્વાસ્થ્યને ગંભીર અસર પડે એમ હોય મહેસુલ મંત્રી આ બાબતે ગામના આરોગ્યના હિતમાં નિર્ણય લેવાની માંગ કરી છે.

આ મામલે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાને પૂછતાં તેઓએ નવી જીઆઇડીસીના વિરોધનો કોઈ મામલો તેમના ધ્યાને આવ્યો જ ન હોવાનું જણાવ્યું હતું અને આ પ્રકારની અરજી તેમના ધ્યાનમાં આવી જ ન હોય હવે ચેક કરીને યોગ્ય તપાસ કરશે તેવું જણાવ્યું હતું.

- text