માળીયાના સુલતાનપુર ગામે 150 જેટલા કબુતરોના ટપોટપ મોત

- text


કબુતરોની સાથે એક મોરનું પણ મૃત્યુ, મૃત્યુ પામેલા પક્ષીઓના મોઢામાં ઉગેલા અડધા ઘઉંના દાણા જોવા મળતા બનાવનું સાચું કારણ બહાર લાવવા માટે પીએમની તજવીજ હાથ ધરાઈ

મોરબી : માળીયા તાલુકાના સુલતાનપુર ગામે આજે ઓચિંતા જ ગામના ચબૂતરામાં વિહરતા કબુતરો પર મોટી ઘાત ત્રાટકી હતી. જેમાં આજે એક જ દિવસમાં અચાનક કોઈ કારણોસર ભેદી રીતે એક પછી એક એમ આશરે 150 જેટલા કબુતરોના ટપોટપ મોત થતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કબુતરોની સાથે એક મોરનું પણ મૃત્યુ થયું હતું.જો કે પશુ હેલ્પલાઈનની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ કરતા મૃત્યુ પામેલા પક્ષીઓના મોઢામાં ઉગેલા અડધા ઘઉંના દાણા જોવા મળતા બનાવનું સાચું કારણ બહાર લાવવા માટે પીએમની તજવીજ હાથ ધરાઈ છે.

માળીયાના સુલતાનપુર ગામે રહેતા નવઘણભાઈ સીતાપરાએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં આજે બપોર પછી અચાનક જ ગામના ચબૂતરામાં વિહરતા પક્ષીઓ એક પછી એક એમ અનેક કબુતરોના મોત થવા લાગતા ગ્રામજનો ચોકી ઉઠ્યા હતા. જેમાં બે ચબૂતરામાં રહેતા આશરે 150 જેટલા કબુતરો એક પછી એક નીચે જમીનમાં બેભાન થઈને ઢળી પડતા આ પક્ષીઓના મોત થઈ ગયા હતા. તેમજ એક મોરનું પણ મૃત્યુ થયું હતું. જો કે હાલના તબક્કે આટલા બધા પક્ષીઓના એક પછી મોતની આઘાતજનક ઘટનામાં કબુતરોના મોત પાછળનું યોગ્ય કારણ બહાર આવ્યું નથી. આ બનાવની જાણ થતાં 1962 પશુ હેલ્પલાઇનના ડો. પ્રીત પટેલ સહિતની ટીમ સુલતાનપુર ગામે દોડી જઈને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ડો. પ્રીત પટેલે જણાવ્યું હતું કે, હાલના તબક્કે મૃત પામેલા પક્ષીઓની તપાસ કરતા આ તમામ મૃત પક્ષીઓના મોઢામાં ઉગેલા ઘઉંના અડધા દાણા ખાધેલા અને અડધા દાણા મોઢામાં રહી ગયા હોવાનું જોવા મળતા આ બનાવનું સાચું કારણ બહાર લાવવા નજીકના પશુ દવાખાનામાં મૃત પક્ષીઓનું પીએમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે અને પીએમ બાદ પક્ષીઓના મોતનું સાચું કારણ બહાર આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.

- text

- text