સલામત સવારી…. એસટી બગડે તો જવાબદારી તમારી ! મિતાણા નજીક અનેક મુસાફરો રઝળ્યા 

- text


મોરબી – રાજકોટ વચ્ચે દોડતી ખામીયુક્ત એસટી બસ બ્રેકડાઉન થઈ જતા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબી એસટી ડેપોની અનેક બસ ખખડધજ હોય અને વારંવાર કોઈને કોઈ ખામી સર્જાતી હોવા છતાં એસટી દ્વારા આવી યાંત્રિક ખામી ધરાવતી બસો સતત દોડાવ્યા રાખવાની ભારે બેદરકારીને કારણે મુસાફરોને ભારે હેરાન થવું પડ્યું છે. જેમાં આજે વહેલી સવારે આવી જ ખામીયુક્ત ખખડધજ મોરબી રાજકોટ એસટી બસ અધવચ્ચે એટલે ટંકારાના મિતાણાં નજીક બંધ પડી જતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો સહિતના અનેક લોકો રઝડી પડ્યા હતા.

મોરબી -રાજકોટ વચ્ચે શૈક્ષણિક, ધંધાકીય સહિત બધા ક્ષેત્રે ભારે જોડાણ હોવાથી હજારો લોકો દરરોજ કામ અર્થે મોરબી રાજકોટ વચ્ચે અપડાઉન કરતા હોય તેમની અવરજવર માટે આમ તો દર અડધી કે 15 મિનિટે ઇન્ટરસિટી બસો દોડાવવામાં આવી રહી છે. પણ ઘણી બસો ખખડધજ થઈ ગઈ હોય અને વારંવાર ખામી સર્જાતી હોય છતાં એસટી તંત્ર આવી જોખમી બસો દોડવાનું ચાલુ રાખતા વિના વાંકે મુસાફરોને અડધે રસ્તે હેરાન થવું પડ્યું હતું. જેમાં આવી જ એક ભારે ખામીયુક્ત Gj-18-5459 નંબરની મોરબી-રાજકોટ એસટી બસ આજે વહેલી સવારે મોરબી ડેપોએથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતો સહિતના લોકોને લઈને રાજકોટ તરફ રવાના થઈ હતી.

જો કે, આ ખામીયુક્ત એસટી બસે અધવચ્ચે મુસાફરોને રઝડાવ્યા હતા બસમાં સવારી કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે, આ એસટી બસ ભારે ખામીયુક્ત હોય ઘણીવાર યાંત્રિક ખામીને લીધે અધવચ્ચે દગો દેતી હોવા છતાં આવી બસને દોડાવ્યા રાખવાની તંત્રની મોટી લાપરવાહી મુસાફરોને ભારે પડી છે. મોરબી – રાજકોટ લોકલ બસમાં છેલ્લા ઘણા સમયથી ભારે તકલીકો રહેતી હોય આ બસમાં કંઈકને કંઈક ખામી હોવાથી બસ ડ્રાંઇવર પણ કહે છે કે બસમાં સતત વાંધો રહેતો હોવાથી ધીમે ચલાવવી પડે છે અને ગરમ થઇ જતા બ્રેકડાઉન પણ થાય છે.

- text

મોટાભાગના વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો વહેલી સવારે આ પહેલી બસ હોવાથી તેમાં જ અપડાઉન કરતા હોય છે. દરરોજ મુસાફરોની સંખ્યા વધુ હોવા છતાં મોટી બસ અધિકારીઓ આપતાં નથી, એસટી તંત્રએ આ ગંભીર બાબતે ધ્યાન જ દીધું નથી.તેથી ડ્રાંઇવર કંડક્ટર અને મુસાફરો વારંવાર આ બસમાં હેરાન થાય છે અને આજે સવારે ટંકારાના મીતાણા નજીક આ બસ બ્રેકડાઉન થઇ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો સહિતનાં લોકો અધવચ્ચે ફસાઈ ગયા હતા અને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

- text