મોરબીના બગથળામા બોઇલર નહિ પણ થર્મોપેક ફાટ્યું હોવાનું ખુલ્યું

- text


ઓઈલનું પ્રેસર વધવાથી તેમજ ઓઇલ લીકેજને કારણે ઘટના ઘટયાનું પ્રાથમિક તારણ

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે ગઈકાલે રેકજીન ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગ લાગવાની ઘટનામાં હકીકતમાં બોઇલર નહિ પરંતુ થર્મોપેક ફાટ્યું હોવાનું અને ઓઈલનું પ્રેસર વધવાથી અથવા ઓઇલ લીકેજને કારણે ઘટના ઘટયાનું સરકારી તંત્રની તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે ઇવા સિન્થેટિક નામની ફેકટરીમાં ગઈકાલે ઓઈલને ગરમ કરવા માટેનું થર્મોપેક ફાટવાના કારણે આગ ભભૂકી ઉઠતા આ દુર્ઘટનામાં વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (ઉ.40), હિતેશ મનસુખભાઇ ડેડકીયા (ઉ. 37)નું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા (ઉ.50) ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં ગઈકાલે મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે થર્મોપેકના રીપેરીંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે મોરબી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા આ ગંભીર બનાવ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી બોઇલર નહિ પરંતુ થર્મોપેક યુનિટ ફાટ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

- text

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ બોઇલર પાણીની વરાળ બનાવતું હોય છે જ્યારે થર્મોપેક યુનિટ ઓઈલને ગરમ કરીને વહન કરવાનું કામ કરે છે, આ અકસ્માતની ઘટનામાં થર્મોપેક રિપેર કરતા સમયે ઓઇલ લીક થવાથી કે ઉપરની ઓઇલ ટેન્કમાંથી ઓઇલ નીકળવાને કારણે ઘટના બની હોવાનું તેમજ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ બાદ જવાબદારો સામે પગલા લેવામાં આવનાર હોવાના સંકેતો સતાવાર સૂત્રોએ આપ્યા હતા.

- text