મોરબીમાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરતી 6 ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ

- text


માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પેટ્રોલિયમ કોલસો વાપરનાર સિરામિક અને ટેરાકોટા યુનિટો ઉપર તવાઈ, હજુ પણ ગુપ્ત સર્વે ચાલુ

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં કેટલાક ઉદ્યોગકારો દ્વારા પ્રતિબંધિત પેટકોક એટલે કે પ્રદુષણ ઓકતા પેટ્રોલીયમ કોલસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદને પગલે મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા તપાસના ધમધમાટ વચ્ચે આવા છ કારખાનેદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ ફટકારતા સિરામિક આલમમાં ચકચાર જાગી છે.

મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ આમ તો ઝીરો ઇમ્યુશન એટલે કે પોલ્યુશન ફ્રી તરફ આગળ વધી રહી છે પરંતુ કેટલાક ઉદ્યોગકારો દ્વારા મોરબીની વૈશ્વિક શાખને નુકશાન પહોચે તેવું કૃત્ય કરી પ્રતિબંધિત પેટકોકનો વપરાશ શરૂ કરતા સિરામિક માલિકોમાં જ વિરોધ ઉઠ્યો છે અને આ ગંભીર બાબતે મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીને ફરિયાદ કરતા કચેરી દ્વારા છ ફેકટરીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે.

મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના મુખ્ય અધિકારી મહેન્દ્ર સોનીએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે મોરબીમાં પ્રતિબંધિત પ્રદુષણ ફેલાવતા પેટકોક એટલે કે પેટ્રોલિયમ કોલસાના ઉપયોગ મામલે ફરિયાદ મળતા કચેરી દ્વારા જુદી જુદી 6 જેટલી ફેક્ટરીઓને  છેલ્લા એક વર્ષની અંદર નોટિસ ફટકારવામાં આવતા ગાંધીનગરથી દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- text

ઉલ્લેખનિય છે કે મોરબીમાં હજારો સિરામિક એકમો આવેલા છે જેમાં ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગો દ્વારા પ્રતિબંધિત પેટકોકનો વપરાશ શરૂ કરવામાં આવતા સમગ્ર સિરામિક ઉદ્યોગ બદનામ થઈ રહ્યો છે અને આ ગંભીર બાબતે સિરામિક એસોસિએશનના આગેવાનો પણ પેટકોકના વપરાશ વિરુદ્ધ હોવાનું જાણવા મળે છે. આ સાથે જ પ્રદુષણ નિયંત્રણ કચેરી દ્વારા હાલમાં ગુપ્તરાહે પેટકોક વપરાશ કરતા સિરામિક એકમો મામલે તપાસ ચાલુ હોવાનું પણ સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text