મોરબીના બેલા નજીક યુવાનની હત્યા મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ

- text


સીરામીક ફેકટરીમાં નાઈટશિપમાં કામ કરતો યુવાન આજે વહેલી સવારે કારખાનાની બહાર ગયા બાદ કોઈએ તેનું ઢીમ ઢાળી દીધું, હત્યાનું કારણ અને હત્યારા મામલે રહસ્ય ઘુંટાયું 

મોરબી : મોરબી જિલ્લા છેલ્લા એક અઠવાડિયામાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં માળીયા પંથકમાં ખેડુતની હત્યાનો બનાવ હજુ ઉકેલાયો નથી.ત્યાંજ આજે મોરબીના બેલા ગામની સિમ ખોખરા હનુમાનજી રોડ પર આવેલ સીરામીક કારખાનામાં કામ કરતા યુવાનની છરીના ઘા ઝીકીને નિર્દયી હત્યા કરવામાં આવી હતી. જો કે હાલના તબક્કે હત્યાનું કારણ અને હત્યારાનું રહસ્ય અકબંધ રહ્યું છે ત્યારે તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોરબીના બેલા રોડ ઉપર ખોખરા હનુમાનજીની જગ્યા નજીક આવેલા ફ્યુઝન ગ્રેનાઈટો સીરામીક ફેકટરીને લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતો અમરીશ નારાયણભાઈ સરકાર (ઉ.વ.23) નામના શ્રમિક યુવાન ગતરાત્રે આ સીરામીક કારખાનામાં નાઈટ શિપમાં કામ કરતો હતો. ત્યારે આજે વહેલી સવારે કોઈ કારણોસર સીરામીક ફેકટરીની બહાર ગયો હતો. ત્યારે તે કારખાનાથી થોડે દુર બેલા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સોએ કોઈ બાબતનું મનદુઃખ રાખી અમરીશ નારાયણભાઈ સરકારને છાતીના ભાગે છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. આ યુવાનની હત્યા કરીને અજાણ્યા શખ્સો અંધારામાં ઓગળી ગયા હતા. બાદમાં કોઈએ યુવાનનો લોહીથી લથબથ મૃતદેહ જોતા તાલુકા પોલીસ મથકે જાણ કરતા મોરબી તાલુકા પીઆઇ વાળા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી હતી.આ હત્યાના બનાવ અંગે મૃતકના ભાઇ રાજીવ નારાયણભાઈ સરકારે કોઈ અજાણ્યા શખ્સો સામે પોતાના ભાઈની હત્યા કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે પહેલા આ મૃતક યુવાન વહેલી સવારે કારખાનામાંથી બહાર કુદરતી હાજતે ગયા બાદ હત્યા થયાની વાત સામે આવી હતી. પણ આ બનાવની ફરિયાદમાં મૃતક કોઈ કારણોસર કારખાનાની બહાર ગયા બાદ હત્યા થયાનું દર્શાવી તપાસ હાથ ધરી છે. જો કે હજુ સુધી હત્યાનું કારણ અને હત્યારા કોણ તેની કોઈ માહિતી પોલીસને મળી નથી.

- text

- text