કાર્તિકી પૂર્ણિમાએ તમામ દેવતાઓ મળીને કાશીમાં ઉજવે છે દેવદિવાળી

- text


દેવદિવાળીના દિવસે મહાદેવ શિવ એ કર્યો હતો ત્રિપુરાસુરનો વધ

મોરબી : દિવાળીના પંદર દિવસ પછી દેવ દિવાળીનો તહેવાર આવે છે. દેવ દિવાળી ગુજરાતી પંચાંગ પ્રમાણે કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. તેનું નામ સુચવે છે તેમ આ દેવોની દિવાળી ગણવામાં આવે છે. માટે તેનું ધાર્મિક મહત્વ ઘણું છે તથા તે દિવાળીનાં પર્વની પૂર્ણાહુતિ તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ, અન્નકૂટ ધરાવીને પૂજા-અર્ચના કરવામાં આવે છે. દેવદિવાળીનાં દિવસથી જ લગ્નો માટેનું શુભ મુહૂર્ત નીકળે છે. આ જ દિવસ શીખ લોકોમાં ‘ગુરુ નાનક જયંતિ’ તરીકે ઉજવાય છે.

આપણા ધર્મમાં દિવાળીનું ખુબ જ મહત્વ છે. તેવી જ રીતે દેવદિવાળીનું પણ એટલુ જ મહત્વ છે. હિન્દુ પંચાગ અનુસાર કારતર મહિનાની પૂર્ણીમાંના દિવસે દેવ દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવાળી બધા દેવતાઓની કૃપાને સાથે લઈને આ પર્વ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીના 15 દિવસ બાદ આ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. જ્યોતિષીઓ અનુસાર દેવદિવાળીના દિવસે દિપદાનનું વિશેષ મહત્વ રહેલુ છે.

માન્યતા છે કે દેવ દિવાળીના દિવસે તમામ દેવ કાશીમાં ઉત્સવ મનાવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે કાશીમાં દેવ દિવાળી મનાવવાની વર્ષો જુની પરંપરા છે. જે આજે પણ નિભાવવામાં આવી રહી છે. જેના કારણે આ દિવસે વારાણસીના દરેક ઘાટને દીવાઓથી શણગારવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે.

દેવદિવાળીની કથા

પૌરાણિક કથા અનુસાર મહાદેવ શિવના પુત્ર કાર્તિકેયના હાથોથી તારકાસુરનો વધ થયો હતો. તારકાસુરના વધ બાદ તેના ત્રણેય દિકરા તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્દયુન્માલીએ તમામ દેવી-દેવતીઓ સાથે બદલો લેવાની પ્રતિજ્ઞા લિધી હતી. જે બાદ ત્રણેય દૈત્યોએ દિવ્ય અને માયાવી શક્તિઓથી એકબીજાને એક શરીરમાં સમાવી લીધા. જે બાદ ત્રણેય દૈત્યોએ પોતાનું નામ ત્રિપુરાસુર રાખી લીધું હતુ.

- text

ત્રિપુરાસુરે બ્રહ્માજીની તપસ્યા કરવાનું શરૂ કર્યુ. જેથી તેઓ પોતાના પિતાના મૃત્યુનો બદલો દેવો સાથે લઈ શકે. ત્રિપુરાસુરની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે જ્યારે અભિજિત નક્ષત્રમાં સૂર્યમંડળમાં એક જ પંક્તિમાં ત્રણેય પુરિયાઓ એકસાથે જોવા મળશે. ત્યારે તે સમયે દેવતાઓથી બનેલા રથ અને ગ્રહોથી બનેલા બાણથી જ ત્રિપુરાસુરનો વધ થશે. નહીં તો તેનો ક્યારેય વધ થશે નહીં.

બ્રહ્માજી પાસેથી મળેલા આ વરદાન બાદ ત્રિપુરાસુરનો આતંક દિવસેને દિવસે વધવા લાગ્યો. જેના કારણે ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો. આથી, શ્રી ગણેશે એક દિવ્ય રથ તૈયાર કર્યો. પૃથ્વી માતાએ રથનો આકાર લીધો, સૂર્ય અને ચંદ્ર તે રથના પૈડા બન્યા. આ રથના સારથી બન્યા સૃષ્ટી અને શ્રી વિષ્ણુ બાણ બન્યા. વાસુકી નાગ અને મેરુ પર્વત ધનુષ્ય અને બાણ બન્યા હતા.

તમામ દેવતાઓ દ્વારા બનાવેલા રથ પર સવાર થઈને શિવે પોતાના ધનુષ અને બાણથી ત્રિપુરાસુરનો વધ કર્યો હતો.  આ દિવસ હતો કારકત મહિનાની પૂર્ણિમાનો દિવસ. જેથી, આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે.

- text