મચ્છુ – 2 કેનાલના પાણી ફરી વળતા રવાપર ચોકડી પાણી – પાણી

- text


ખેડૂતોને સિંચાઈ માટે છોડવામાં આવેલા પાણીનો બેફામ વેડફાટ

મોરબી : મોરબી તાલુકાના ખેડૂતોને રવિ સિઝનની સિંચાઈ માટે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર પસાર થતી મચ્છુ – 2 સિંચાઈ યોજનાની કેનાલમાં છોડવામાં આવેલા પાણી રવાપર ચોકડી નજીક રસ્તા ઉપર ફરી વળતા વગર વરસાદે રોડ પાણી પાણી થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મચ્છુ – 2 ડેમમાંથી મોરબી તાલુકાના ખેડૂતો માટે મચ્છુ – 2 સિંચાઈ યોજના હેઠળ પાણી આપવા માટે બનાવાયેલ કેનાલ અનેક જગ્યાએ તૂટી ગઈ હોવાથી આજે સવારથી મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોય લોકોને ચોમાસા જેવી અનુભૂતિ થવા પામી હતી.

વધુમાં કેનાલ રોડ ઉપર વર્ધમાન એપાર્ટમેન્ટથી લઈ રવાપર ચોકડી સુધીના વિસ્તારમાં ખેડૂતોને રવિ સિઝનના વાવેતર માટે છોડવામાં આવેલ પાણી ખેતરોને બદલે લોકોના ઘર સુધી પહોંચી ગયું હતું. કેનાલમાંથી પાણીના વેડફાટ અંગે મચ્છુ – 2 સિંચાઈ યોજનાના અધિકારી ભોરણીયાનો મોબાઈલ ઉપર સંપર્ક કરવામાં આવતા ફોન સતત બંધ આવતો હતો.

- text

- text