દિવસ વિશેષ : જાણો.. વાઇનો હુમલો કેમ આવે છે? તેના નિદાન, ઉપચાર સહિતની સંપૂર્ણ વિગતો 

આજે 17 નવેમ્બર : રાષ્ટ્રીય વાઈ જાગૃતિ દિવસ

નિયમિત દવાઓ અને જીવનશૈલીમાં સામાન્ય ફેરફાર કરીને આંચકીઓને નિયંત્રણમાં લઇ શકાય છે

મોરબી : આજે 17 નવેમ્બર એટલે કે રાષ્ટ્રીય વાઈ જાગૃતિ દિવસ છે. વાઈ, ખેંચ, આંચકી, ફેફરું કે અપસ્માર એ એક ચેતાતંત્રીય ખામી છે. અંગેજીમાં તેને એપીલેપ્સી કહે છે. આ આંચકી જાણી ન શકાય તેવા ટૂંકા સમયથી લઈને જોરદાર આંચકા સાથેની લાંબા સમયની હોય શકે છે. તેના કારણે શારીરિક ઈજા પહોંચી શકે છે જેમ કે ક્યારેક હાડકાં તૂટી જવા. આંચકી કોઈ દેખીતા કારણ વગર ફરી ફરીને આવી શકે છે. ચોક્કસ કારણોથી આંચકી આવતી હોય તો તેને અટકાવી શકાય છે. જેઓને દવા અસર ન કરે તેમને શસ્ત્રક્રિયા, ચેતાઉત્તેજનની ક્રિયા અને ભોજનમાં ફેરફારની સલાહ પણ આપવામાં આવે છે. આંચકીના તમામ કિસ્સા જીવનપર્યત નથી હોતા. ઘણા લોકો એટલા સાજા થઇ જાય છે કે એમને કોઈ સારવારની જરૂરિયાત નથી રહેતી.

વાઈ એ એક સામાન્ય બીમારી છે. આંચકી/તાણ/ફીટ આવવી એ વાઇની બીમારીનું મુખ્ય લક્ષણ છે. નિયમિત દવાઓ અને જીવનશૈલીમાં સામાન્ય ફેરફાર કરીને આંચકીઓને નિયંત્રણમાં લઇ શકાય છે. એપિલેપ્સીથી પીડાનારામાં ઘણા મહાન રમતવીરો, સંગીતકારો, કલાકારો વગેરે છે કે જેઓ સંબંધિત ક્ષેત્રોમાં ઊંચાઈએ પહોંચી લક્ષ્યાંકો હાંસલ કરી શક્યા છે.

વાઇનાં કારણો

1. બાળકનું જન્મ થતાં તુરંત ન રડવું.

2. મગજની ગાંઠ (Brain Tumor).

3. માર્ગ-અકસ્માત અને અન્ય પ્રકારની માથાની ઇજા

4. મગજના ચેપી રોગો (મગજનો ટી.બી., મગજની રસી)ને કારણે મગજને થતું નુકસાન

5. વારસાગત કારણો

6. કિડની, યકૄતની બીમારીઓ.

7. સ્ટ્રોક/પેરેલિસીસ સમયે મગજને થયેલ નુકસાન.

8. કોઈ ચોક્કસ કારણ વગર

વાઇનું નિદાન

1. દર્દીની સાથે બનેલી ઘટનાની વિગતવાર પૂછપરછ.

2. EEG (ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફ), સાદી ભાષામાં કહીએ તો મગજના વિદ્યુત તરંગોનો ગ્રાફ

3. મગજનો આધુનિક ફોટોગ્રાફ(MRI)

4. ચોકકસ કિસ્સાઓમાં અન્ય રિપોર્ટ્સ જેવાં કે, લોહીની તપાસ /પેશાબની તપાસ તથા કરોડરજ્જુમાંથી ખેંચેલ પાણી (CSF)ની તપાસ જરૂરી બને છે.

વાઇનો ઉપચાર

વાઇનો ઉપચાર મુખ્યત્વે દવાઓ દ્વારા કરવામાં આવે છે. ન્યુરોફિઝિશિયન ડૉકટર આ દવાઓમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી દર્દીના વજન પ્રમાણે દવા લખી આપે છે, જો કોર્ષ દરમ્યાન, વચ્ચે આંચકી આવી જાય તો દવાનો કોર્ષ લંબાવવો પડે છે. (છેલ્લી આંચકી આવ્યાથી ૨-૩ વર્ષ સુધી). દવાથી પરિણામ ન મળતું હોય તેવા અમુક ચોક્કસ દર્દીઓ માટે ઓપરેશન અને અન્ય સારવાર પણ ઉપલબ્ધ છે.

વાઇનાં દર્દીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

1. જોખમો હોય તેવા સ્થળોએ રહેવાનું ટાળો, જેમ કે આગ / ઊંચાઈ / ઊંડું પાણી, ગીચ ટ્રાફિક.

2. ઉજાગરા કરવા નહી.

3. ભૂખ્યા રહેવું નહીં.

4. વધુ પડતો શ્રમ-થાક-ટેન્શન-ચિંતા ટાળો.

5. ખિસ્સામાં નામ/સરનામું, નજીકના સગાંનો ફોન નંબર અને વાઇની તકલીફ છે તે જણાવતું કાર્ડ રાખો.

વાઇમાં પ્રાથમિક ઉપચાર

1. શાંત રહો અને દર્દીની આસપાસ ભીડ કરવાનું ટાળો

2. દર્દીને અન્ય જગ્યાએ ખસેડતા નહીં, સિવાય કે રસ્તો કે દાદર જેવી જોખમી જગ્યાએ હોય.

3. દર્દીનાં કપડાં ઢીલાં કરો, ખાસ કરીને શ્વાસની ગૂંગળામણ ટાળો.

4. દર્દીને હળવેથી એક પડખે સુવડાવો. જેથી, તેને શ્વાસ લેવામાં મદદ મળે અને મોઢામાં કોઇ દ્રવ્ય હોય તો બહાર નીકળી શકે.

5. ઇજા ટાળવા માટે માથા નીચે તકીયો, ઘડી કરેલું જેકેટ કે કોઈ પોચી વસ્તુ રાખો.

6. દર્દી શક્ય આરમદાયક સ્થિતિમાં રહે તેવી કોશિશ કરો.

7. દર્દીના મોઢામાં કોઇ ચીજ કે ખોરાક નાખતા નહીં. મોઢામાં કશું પણ નાખવું જીવલેણ નીવડી શકે છે.

8. દર્દીને જોડું કે ડુંગળી સુંઘાડવી નહીં.

9. બળનો ઉપયોગ કરવાનું ટાળો

10. જો શક્ય હોય તો આંચકી-તાણનું મોબાઇલમાં વિડિયો રેકોર્ડીંગ કરી લેવું જોઇએ,જેથી તે ડૉક્ટરને બતાવી શકાય. આવા રેકોર્ડિંગથી નિદાનમાં મદદ મળે છે.