ઝૂલતા પુલના લટકતા કાટમાળના બિહામણા દ્રશ્યો વચ્ચે ગોઝારી દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ 

135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર દુર્ઘટના બાદ કાનૂની જંગ, વળતર, સહાયના ચુકવણા થયા, વડાપ્રધાન, મુખ્યમંત્રીએ આશ્વાસનો પણ પીડિત પરિવારો માટે મલમ ન બની શક્યા 

મોરબી : 30 ઓક્ટોબર 2022ની એ ગોઝારી, બિહામણી સાંજને મોરબી ક્યારેય નહીં ભૂલી શકે, ચોતરફ મરણચીસોથી ગાજતો મચ્છુ નદીનો પટ્ટ, એમ્બ્યુલન્સના સાયરનોના કાન ફાડી નાખતા અવાજો અને લોકોના ટોળેટોળા વચ્ચે બચાવો….બચાવોના શબ્દો… મોરબીની મચ્છુ હોનારત અને ભૂકંપ કરતા પણ વધુ ભયાવહ ભાસતા હતા. 135 નિર્દોષ લોકો આંખના પલકારા જેટલા સમયમાં જ ઝૂલતા પુલ ઉપરથી સીધા જ નદીના ઊંડા અને ગંદા પાણીમાં ગરક થતા મોતને ભેંટ્યાની ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટના મામલે નામદાર હાઇકોર્ટે સુઓમોટો રીટપીટીશન દાખલ કરી જવાબદારો સામે કડક હાથે કામગીરી કરવાના દિશાનિર્દેશો આપવાની સાથે પીડિત પરિવારોને ઝૂલતાપૂલનું સંચાલન કરનાર કંપની પાસેથી યોગ્ય વળતર અપાવવામાં પણ નિમિત્ત બની છે. તો બીજી તરફ અજંતા ઓરેવાના એમડી જયસુખ પટેલ અને કંપનીના મેનેજરો પણ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે આ દુર્ઘટના માટે કોણ જવાબદાર એ વાત ને કોરાણે મૂકીએ તો પણ ઘટનાના 365 દિવસ પછી પણ 135 મૃતકોના પરિવારો પોતાના પરિજનોની ખોટને ભૂલી શક્યા નથી અને એક સમયે મોરબીનું નજરાણું ગણાતો ઝૂલતો પુલ હાલમાં માત્ર કાટમાળ સાથે બિહામણો બનીને લટકી રહ્યો હોય અહીંથી પસાર થતા લોકો માટે આ દુર્ઘટનાની યાદો તાજા કરી જાય છે.

મોરબીના લલાટે દર 21 વર્ષે ગોઝારી દુર્ઘટના લખાઈ હોવાની લોકવાયકા વચ્ચે વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં દિવાળીના સપરમા દિવસોમાં પરિવાર સાથે ઝૂલતાપૂલની સહેલગાહે આવેલા અનેક પરિવારો માટે 30મી તારીખ અંતિમ બની હતી. ઓવરક્રાઉડ વચ્ચે 30મી ઓક્ટોબરની સાંજે ઝૂલતો પુલ તૂટી પડતા કોઈના ઘરમાંથી એક, તો કોઈના ઘરમાંથી બે કે કોઈના ઘરમાંથી આઠ -આઠ અર્થીઓ ઉઠતા આખું મોરબી હીબકે ચડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો અને મૃતદેહો સાચવવા માટે હોસ્પિટલના શબઘર પણ ટૂંકા પડયા હતા. બીજી તરફ ગંભીર દુર્ઘટના જોતા કેન્દ્ર-રાજ્ય સરકારે એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમોને બચાવમાં ઉતારી દીધી હતી અને મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીએ મોરબીમાં જ પડાવ બચાવ કામગીરી કરાવી હતી. સાથે જ દેશના વડાપ્રધાન પણ આ ગોઝારી દુર્ઘટના બાદ પરિસ્થિતિનો ક્યાસ મેળવવા અને પીડિત પરિવારોના આંસુ લુછવા મોરબી આવ્યા હતા.

જો કે આટલી મોટી સંખ્યામાં માનવજિંદગીનો ભોગ લેનાર દુર્ઘટનામાં પોલીસે તત્કાલ ઝૂલતાપૂલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપનીના બે મેનેજર સહીત ઝૂલતાપૂલના ટિકિટ ક્લાર્ક, પુલનું રીનોવેશન કરનાર કોન્ટ્રાકટર તેમજ ચોકીદાર સહીત 9 લોકો સામે ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી હતી તો સરકારે સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટી એટલે કે સીટની રચના કરી નાખી હતી. સમય જતા નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ મીડિયા અહેવાલો બાદ સુઓમોટો રીત પિટિશન દાખલ કરી પીડિત પરિવારોને સરકાર તરફથી યોગ્ય વળતર અને જવાબદાર કંપનીને પણ વળતર ચૂકવવા આદેશ જારી કરી પીડિતોના પરિજનોને તેમજ નિરાધાર બનેલા બાળકો માટે અભ્યા અને જીવન નિર્વાહ માટેની વ્યવસ્થાઓ ઉપર ભાર મુક્યો હતો.

બીજી તરફ નામદાર મોરબી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવાના તબક્કામાં તપાસનીશ પોલીસ ટીમે ઝૂલતાપૂલ કેસમાં પીડિતો જેની સામે અંગુલી નિર્દેશ કરતા હતા તેવા અજંતા ઓરેવાના એમડી જયસુખ પટેલને આરોપી દર્શાવતા આ કેસમાં જયસુખ પટેલ પણ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. જો કે, 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટનામાં હજુ પણ અજંતા ઓરેવાના એમડી જયસુખ પટેલ, બે મેનેજર અને કોન્ટ્રાકટર પિતા-પુત્રને હજુ સુધી જામીન ન મળતા જેલવાસ ભોગવી રહ્યા છે.

જો કે, ગંભીર ઝૂલતાપૂલ દુર્ઘટના બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયા સહિતના અગ્રણીઓ હાલમાં જેલવાસ ભોગવી રહેલા જયસુખભાઇ પટેલના સમર્થનમાં ખુલીને બહાર આવ્યા છે, તો બીજી તરફ ઝૂલતાપૂલના પીડિત પરિવારોના ટ્રેજડી વિક્ટિમ એસોસિએશન દ્વારા જયસુખભાઇ પટેલ વિરુદ્ધ આઇપીસી 302 મુજબ ગુન્હો દાખલ કરવા માંગ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ઝૂલતાપૂલના સદગત મૃતાત્માઓના આત્માની શાંતિ માટે પ્રખર રામાયણી મોરારીબાપુ દ્વારા મોરબીમાં રામકથા પણ યોજવામાં આવી હતી જેમાં કથાના સમાપન પ્રસંગે મોરારીબાપુના એક નિવેદનથી મામલો ગરમાયો હતો. તો બીજી તરફ પાટીદાર સમાજ દ્વારા એકતાનો પરિચય કરાવવા માટે અજંતા ઓરેવા ગ્રુપના વડીલ ઓ.આર.પટેલની પુણ્યતિથિ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન કરી એકતાનો પરિચય કરાવામાં આવ્યો હતો. અને આ ઘટનાને પણ ઝૂલતાપૂલ સાથે જોવામાં આવી હતી. આજે આ ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. સમગ્ર મામલો કોર્ટમાં છે. ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનારા 135 નિર્દોષ લોકોના પરિવાજનો યોગ્ય ન્યાયની આશા સાથે પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ પૂર્વક યાદ કરી રહ્યા છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના એક વર્ષનો ઘટનાક્રમ 

– 1880 માં બનેલો 142 વર્ષ જૂનો ઝુલતા પુલ ઓરેવા ગ્રુપ દ્વારા રીનોવેશન કરી 26-10-2022 ના રોજ જયસુખભાઈ પટેલ અને તેના પરિવાર દ્વારા ખુલ્લો મુકાયો

– ઝુલતા પુલ ખુલ્લો મુકાયાના પાંચમા દિવસે તારીખ 30 ઓક્ટોમ્બર 2022ની સાંજે 6.40 વાગ્યે તૂટી ગયો, 135 લોકોના મોત

– મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર સહીત રાજ્યભરમાંથી તરવૈયા અને રેસ્ક્યૂની ટીમો બોલાવાઇ

– હોસ્પિટલોમાં મૃતકોને રાખવા જગ્યા ખૂટી, આખી રાત એમ્બ્યુલન્સોના સાયરણથી શહેર ગુંજ્યું

– ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા

– મુખ્યમંત્રીએ તાત્કાલિક રાજ્યના ઉચ્ચ અધીકારીઓની એસઆઈટીની રચના કરાઈ

– મોડી રાત્રથી સવાર સુધીમાં એનડીઆરએફ, એસડીઆરએફ, એરફોર્સ, આર્મી અને નેવીની ટીમો ઘટના સ્થળે બચાવ માટે પહોંચી

– ઘટનાના બીજા દિવસે તા.31ના રોજ ઓરેવા ગ્રૂપના બે મેનેજર, બે ટીકીટ ક્લાર્ક, કોન્ટ્રાકટર પિતા -પુત્ર અને ત્રણ સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરાઈ

– ઘટનાં પગલે મોરબી સજ્જડ બંધ રાજ્યમાં રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યા, રાજ્ય વ્યાપી શોક

– ઘટનાના ત્રીજા દિવસે તા.1 નવેમ્બરના રોજ વડાપ્રધાને મોરબીના ઘટના સ્થળ, હોસ્પિટલની મુલાકાત કરી અધિકારીઓ સાથે બેઠક કરી તાપસ અને સારવારમાં કચાસ ન રાખવા તાકીદ કરી

– ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પોલીસ દ્વારા ચાર કલાક પુછપરછ બાદ બીજા દિવસે ચીફ ઓફિસર સસ્પેન્ડ,

– મોરબીમાં ઘટનાના બે દિવસમાં રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓના ધાડેધાડા આવ્યા

– ઓરેવાના માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા

– તા. 3 નવેમ્બરના રોજ પોલીસ દ્વારા ઓરેવા કંપનીમાં અને ધ્રાંગધ્રામાં સર્ચ ઓપરેશન હાથ ધરી મહત્વના દસ્તાવેજો કબ્જે કર્યા

– તા. 5 નવેમ્બરના રોજ 4 આરોપીના રિમાન્ડ પુરા થતા તમામ 9 આરોપીઓ જેલ હવાલે

– તા. 7 નવેમ્બરના રોજ હાઇકોર્ટ દ્વારા સૂઓમોટો, પીઆઈએલ દાખલ કરાઈ

– તા. 18 નવેમ્બરના રોજ ઓરેવાના બે મેનેજર સહીત સાત આરોપીની જામીન માટે અરજી

– તા. 23 નવેમ્બરના રોજ કોર્ટે આઠ આરોપીની જમીન અરજી ફગાવાઈ

– તા. 30 નવેમ્બરના રોજ પ્રથમ માસિક પુણ્યતિથિએ મૃતક પરિવાર દ્વારા મૌન રેલી યોજી ન્યાય માટે પોકાર કર્યો

– તા. 14 ડિસેમ્બરના રોજ ઓરેવા ગ્રૂપના બે મેનેજર, બે ક્લાર્ક અને ત્રણ સિક્યુરિટી ગાર્ડની હાઇકોર્ટમાં જામીન અરજી

– તા. 20 જાન્યુઆરીના રોજ જયસુખ પટેલની મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી

– તા. 21 જાન્યુઆરીના રોજ જયસુખ પટેલ સામે લુકઆઉટ નોટિસ જારી

– તા. 27 જાન્યુઆરીના રોજ પોલીસનું 1262 પાનાનું ચાર્જશીટ રજૂ, જયસુખ પટેલનો આરોપી તરીકે ઉમેરો

– તા. 31 જાન્યુઆરીના રોજ જયસુખ પટેલ કોર્ટમાં સરેન્ડર

– તા. 1 ફેબ્રુઆરીનાના રોજ જયસુખ પટેલ 7 દિવસના રિમાન્ડ પર,

– તા. 4 ફેબ્રુઆરીના રોજ બે મેનેજર સહીત સાત આરોપીની જામીન માટે અરજી નામંજૂર

– તા. 8 ફેબ્રુઆરીના રોજ રિમાન્ડ પુરા થતા જયસુખ પટેલ જેલ હવાલે

– તા. 22 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટે ઓરેવા ગ્રૂપને 135 મૃતક પરિવારને 10-10 લાખ ચૂકવવા આદેશ કર્યો

– તા. 7 માર્ચના રોજ મોરબી કોર્ટે જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી ફગાવી

– તા. 10 માર્ચના રોજ જયસુખ પટેલ સામે 370 જેટલા સાક્ષીઓના નિવેદનો સાથે 1000 પાનાની પુરવણી ચાર્જશીટ રજૂ

– તા. 11 એપ્રિલના રોજ મોરબી પાલિકા સુપરસીડ , પાલિકામાં વહીવટદાર શાસન

– તા. 8 મેં ના રોજ ત્રણ સિક્યુરિટી ગાર્ડ રેગ્યુલર જમીન પર મુક્ત

– તા. 6 જૂનના રોજ બે ટિકિટ ક્લાર્ક રેગ્યુલર જામીન પર મુક્ત

– હાલ મોરબી સબ જેલમાં જયસુખ પટેલ, બે મેનેજર અને બે કોન્ટ્રાકટર જેલવાસ ભોગવી રહ્યા છે

– સપ્ટેમ્બર માસમાં ઝૂલતાપૂલ દિવંગતોના મોક્ષ માટે મોરારીબાપુની રામ કથા યોજાઈ હતી જેમાં છેલ્લા દિવસે મોરારિબાપુના નિવેદનથી વિવાદ સર્જાયો હતો

– હાલ સામાજિક કાર્યકરો દ્વારા ઝૂલતાપૂલ ઘટના સ્થળે મૃતકોના આત્માની શાંતિ માટે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે.