હળવદના નવા ઇસનપુર ગામના પૂર્વ ઉપસરપંચને દુષ્કર્મ કેસમાં 10 વર્ષની કેદ

- text


ત્યકતા મહિલાને ધમકી આપી દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

મોરબી : હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામના પૂર્વ ઉપસરપંચે ગામની ત્યકતા યુવતી સાથે મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજારી એક દિવસ ઘરમા ઘુસી દુષ્કર્મ ગુજારતા ત્યકતા યુવતીનો ભાઈ ઘેર આવી જતા મારામારી કરતા નામદાર મોરબી એડિશનલ કોર્ટે પૂર્વ ઉપસરપંચને દસ વર્ષની કેદની સજા અને 20 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં અન્ય ત્રણ મદદગારી કરનાર આરોપીઓનો નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હતો સાથે જ ત્યકતા યુવતીને 2 લાખનું વળતર અને આરોપી દંડ ભરે તે 20 હજારની રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.

આ ચકચારી કેસની વિગત જોઈએ તો હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામની વતની યુવતીના લગ્ન બાદ છુટા છેડા થઈ જતા માવતરે રહેતી ત્યકતાને ગામના ઉપ સરપંચ ચંદુભાઈ જેરામભાઈ પરમારે અવાર નવાર શરીર સંબંધ બાંધવા દબાણ કરતા ત્યકતા યુવતી શરમના મારી ઉપ સરપંચને વશ થઈ હતી. બાદ વર્ષ 2016મા યુવતીના માતાપિતા વાડીએ ગયા હોય અને ભાઈ બહારગામ લગ્નમાં જતા એકલતાનો લાભ લઇ આ ઉપસરપંચ આરોપી ચંદુભાઈ જેરામભાઈ પરમાર અને ધીરજ પોપટ પરમાર ત્યકતા યુવતીના ઘરે આવ્યા હતા જ્યાં ધીરજ પરમાર ઘરના ડેલે ધ્યાન રાખવા ઉભો રહ્યો હતો અને ઉપ સરપંચ ચંદુભાઈ જેરામભાઈ પરમારે ત્યકતા યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું.

બરાબર આ જ સમયે યુવતીનો ભાઈ ઘેર આવી જતા આરોપી ચંદુભાઈ જેરામભાઈ પરમાર, ધીરજ પોપટ પરમાર, મહિપત જેરામ પરમાર અને હસમુખ મોહન પરમારે યુવતીના ભાઈ સાથે ઝઘડો કરી મારામારી કરતા તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

- text

દરમિયાન ત્યકતા યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવા અંગેનો કેસ નામદાર મોરબી એડિશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાની, સંજયભાઈ દવે અને નિરજભાઈ કારીયાની ધારદાર દલીલો તેમજ 19 મૌખિક અને 26 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપી પૂર્વ ઉપ સરપંચ ચંદુભાઈ જેરામભાઈ પરમારને તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો હુકમ કરી ભોગ બનનારને 2 લાખ વળતર ચૂકવવા હુકમ કરી અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો હતો.

- text