1200 વીજ થાંભલાને કારણે મોરબી – જેતપર – હળવદ હાઇવે પ્રોજેક્ટ ઘોંચમાં 

- text


મોરબી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વીજલાઇન ખસેડવામાં વિલંબથી સરકાર પણ ચોંકી ઉઠી, વીજ કંપનીના અધિકારીઓનો ઉધડો લેવાયો 

મોરબી : મોરબી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગતિશીલ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલ નવા ફોરલેન હાઈવેની કામગીરીમાં ચારથી પાંચ મહિના પહેલા નડતરરૂપ વીજ લાઈન ખસેડવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વીજતંત્રને અરજી કરવા છતાં વીજતંત્ર દ્વારા નડતરરૂપ વીજ થાંભલા ખસેડવામાં ન આવતા હાઇવે પ્રોજેક્ટ ઘોંચમાં પડતા ગુજરાત સરકાર ચોકી ઉઠી છે અને ચારેય વીજ કંપનીઓના અધિકારીઓને મુખ્ય સચિવે તેડું મોકલી તબાતબાવી નાખ્યા હોવાનું જાણવા મળે છે. મોરબી જિલ્લામાં જેતપર અને હળવદ હાઇવે ફોરલેન પ્રોજેક્ટમાં કુલ 1200 વીજ થાંભલા નડતરરૂપ હોવાનું સામે આવ્યું છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ક્લસ્ટરમાં ટ્રાફિકનો પ્રશ્ન હળવો કરવા ગુજરાત સરકાર દ્વારા મોરબી – જેતપર અને મોરબી – હળવદ હાઈવેને ચારમાર્ગીય બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં બન્ને માર્ગોનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ મોરબી જિલ્લામાં પીજીવીસીએલ તંત્રને ફોરલેન રોડ પ્રોજેક્ટમાં નડતરરૂપ અંદાજે 1200 જેટલા વીજ થાંભલા હટાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિધિવત કાર્યવાહી કરવા છતાં આજદિન સુધી પીજીવીસીએલ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતા ફોરલેન પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે.

મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં જેતપર – મોરબી ચારમાર્ગીય પ્રોજેક્ટમાં અંદાજે 500 વીજ થાંભલા નડતરરૂપ છે જયારે મોરબી – હળવદ હાઇવે ફોરલેન પ્રોજેક્ટમાં અંદાજે 700 જેટલા વીજ પોલ નડતરરૂપ હોય આ થાંભલા હટાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાંબા સમયથી કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી આ મામલે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.

બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા મોરબી સહિતના હાઇવે પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન પીજીવીસીએલની બેદરકારીનો પ્રશ્ન સામે આવતા આ મામલે રાજ્યના મુખ્ય સચિવ દ્વારા રાજ્યની ચારેય વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને તાકીદનું તેડું મોકલી બેઠક યોજી તાકીદે ફોરલેન હાઇવે પ્રોજેક્ટમાં નડતરરૂપ વીજ થાંભલા હટાવવા માટે આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

- text

- text