અમારો પગાર ટાઈમે નથી થતો એટલે પાણી પણ નિયમિત નહીં મળે.! છ ગામ રહ્યા તરસ્યાં 

- text


રણછોડગઢ, રાયધ્રા, માથક, ચુપણી, ખેતરડી, માણેકવાડા અને શિવપુરમાં પાણીની પળોજણ

હળવદ : હળવદ તાલુકાના ચિત્રોડી ગામે આવેલ પાણીના સંપમાંથી છ ગામોને પાણી વિતરણ કરવામાં આવે છે તે મોટાભાગના ગામોમાં 15-15 દિવસે પણ પાણી પહોંચતું નથી અને જો ગામોના સરપંચ આ બાબતે પાણીના સંપ પર કામ કરતા કર્મચારીઓને રજૂઆત કરે તો તેઓ દ્વારા કહેવામાં આવે છે.કે અમારો પગાર ટાઈમે થતો નથી એટલે પાણી પણ નિયમિત આપીશું નહીં તેવા ઉડાવ જવાબ અપાતા હોવાનું સામે આવ્યું છે.

ઉનાળો વિદાય લઇ રહ્યો છે અને શિયાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના ચિત્રોડી ગામે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે.અને ત્યાંથી રણછોડગઢ, રાયધ્રા, માથક, ચૂંપણી, ખેતરડી, માણેકવાડા અને શિવપુર સહિતના ગામોને નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવે છે.જોકે અહીં પાણીના સંપમા કામ કરતા કર્મચારીઓ પોતાની મનમાની ચલાવતા હોય જેના કારણે 6 થી વધુ ગામોના લોકો પાણીની ભયંકર સમસ્યા ભોગવી રહ્યા છે.

- text

રણછોડગઢ ગામના સરપંચ લક્ષ્મણભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ગામમાં 15 દિવસે પણ પાણી આવતું નથી,જ્યારે માથકના સરપંચ વાઘજીભાઈએ જણાવ્યું હતું કે હવે તો રજૂઆત કરી કરીને અમે પણ થાક્યા છીએ, જ્યારે રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મહેશભાઈ કોપેણીયાએ જણાવ્યું હતું કે છ થી વધુ ગામોમાં પાણીની સમસ્યા અંગેની અમારી પાસે ફરિયાદ આવી છે જ્યારે પણ અમે ચિત્રોડી પાણીના સંપ પર કાર્યરત કર્મચારીઓને આ બાબતે રજૂઆત કરીએ ત્યારે તેઓનું કહેવાનું એક જ થાય છે કે અમારો ટાઇમે પગાર થતો નથી જેથી અમે પણ ટાઈમે પાણી આપીશું નહીં.!

એટલે હાલ તો સંપના કર્મચારીઓનો પગાર ટાઇમે ન થતો હોય જેના કારણે છ થી વધુ ગામના લોકોને છતાં પાણીએ પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે જેથી હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોને પાણી અને કર્મચારીઓને પગાર ક્યારે ટાઇમે મળે છે.?

- text