હળવદના 11 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવા ધારાસભ્યને રજૂઆત

- text


ધારાસભ્યના પ્રયત્નોથી સર્વેને મંજૂરી મળી છે પરંતુ કામ ઝડપથી કરવા નિલેશભાઈ ગામીની માંગ

હળવદ : હળવદ પંથકમાંથી જુદી જુદી ત્રણ નર્મદા કેનાલો પસાર થાય છે જેનાથી શહેર અને ગ્રામ્યનો મોટાભાગનો વિસ્તાર નર્મદાના નીરના કારણે હરિયાળો બન્યો છે.જોકે હળવદ તાલુકાના આજે પણ એવા 11 ગામો છે કે જ્યાં નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી પહોંચ્યું.જેના કારણે અહીંના ખેડૂતોને બોરના પાણીએ જ ખેતી કરવી પડે છે.જોકે આ ગામોને સિંચાઈ માટેનુ પાણી વહેલી તકે આપવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિલેશભાઈ ગામીએ ધારાસભ્યને રજૂઆત કરી તાત્કાલિક કેનાલનો લાભ આપવા માંગ કરી છે.

હળવદ તાલુકાના રાતાભેર,શીવપુર, ડુંગરપુર,વાકીયા,સમલી,રાયધ્રા,માથક, ચુપણી,ખેતરડી,માણેકવાડા,રણછોડગઢ સહિતના 11 ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ મળ્યો નથી.જોકે પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા અને ચાલુ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના પ્રયત્નોથી ઉપરોક્ત ગામોને સિંચાઈ માટેનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

- text

જેથી હળવદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિલેશભાઈ ગામીએ ધારાસભ્ય પ્રકાશભાઈને લેખિત રજૂઆત કરી સર્વેની કામગીરી ઝડપથી કરવામાં આવે અને આ ગામોને સિંચાઈ માટે પાણીનો લાભ મળે તેવી માંગ કરી છે. વધુમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે હાલ વરસાદ પણ ખેંચાયો છે અને બોરના પાણી પણ ઊંડા જતા રહ્યા હોય સાથે જ ઉપરોક્ત 11 ગામોમાં મોટાભાગે ખેડૂતો બાગાયતી ખેતી કરે છે જેથી વહેલી તકે નર્મદાનું સિંચાઈનું પાણી મળે તે જરૂરી છે.

- text