ઝૂલતાપૂલ દુર્ઘટનામાં અમારા બે ભાઇ મોતને ભેટ્યા, અમે કોને રાખડી બાંધીએ ? બહેનોનો વલોપાત

- text


બન્ને બહેનો આજે બન્ને દિવંગત ભાઈની યાદમાં ચોધાર આંસુએ રડી પડી

મોરબી : રક્ષાબંધનનું પર્વ ભાઈ કે બહેન વગર અધૂરું છે. બેમાંથી કોઈ એકની વસમી વિદાય થઈ જાય તો તેનો બીજા હયાત થયેલા વ્યક્તિને આઘાત જીરવવો મુશ્કેલ પડી જાય છે. આવી કપરી સ્થિતિ આજે મોરબીના સામાન્ય પરિવારની બે બહેનોની થઈ છે. આ બન્ને બહેનોના એકના એક વીર એટલે બે ભાઈઓ ઝૂલતાપૂલની દુર્ઘટનાના મૃત્યુ પામ્યા હતા. આથી આ બહેનને આજે રક્ષાબંધને બન્ને ભાઈઓની યાદ આવતા ગળે ડૂમો બાઝી ગયો હતો અને બન્ને બહેનો આજે રક્ષાબંધને પોતાના દિવંગત ભાઈઓની તસવીરો લઈને યાદમાં ચોધાર આંસુએ રડી પડતા સામાન્ય પરિવાર પણ શોકમાં ડૂબી ગયો છે.

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળ આવેલ વરિયાબગરમાં રહેતા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારની બે બાળા વંદના મહેશભાઈ મકવાણા (ઉ.વ.14),અને તેની પિતરાઈ બહેન ભૂમિ જગદીશભાઈ મકવાણા(ઉ.વ.15) કહે છે કે વંદનાનો નાનો ભાઈ યુવરાજ અને ભૂમિનો નાનો ભાઈ ગિરીશ આ દુનિયામાં હયાત નથી. વંદનાના પિતા મહેશભાઈ દિવાળી પછીના દિવસોમાં પોતાના પુત્ર યુવરાજ અને મોટાભાઈના પુત્ર ગિરીશને લઈને નવો બનેલી ઝૂલતાપૂલ ઉપર ફરવા ગયા હતા. ત્યારે અચાનક ઝૂલતાપૂલ તૂટી પડતા મહેશભાઈ, તેમનો પુત્ર યુવરાજ અને મોટાભાઈનો પુત્ર ગિરીશ નીચે મચ્છુ નદીમાં ગરકાવ થઈ જતા ત્રણેયના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. વંદનાએ અગાઉ માતા ગુમાવી હતી. ત્યારે હવે ભાઈ અને પિતા પણ ગુમાવતા નોંધારી બની ગઈ છે. જ્યારે ભૂમિનો એકનો એક વહાલસોયા ભાઈ ગિરીશ પણ ઝૂલતાપૂલની દુર્ઘટનામાં મૃત્યુ પામતા આ સામન્ય પરિવારને ભારે આઘાત લાગ્યો હતો.

- text

ભૂમિ અને વંદના કહે છે કે દુઃખ તો એ વાતનું છે કે આ બન્ને ભાઈઓ અમારા એકને એક જ ભાઈ હતા. ત્યારે ઝૂલતાપૂલની દુર્ઘટનાને અમારું સર્વસ્વ છીનવી લીધું છે. અમારા નાના ભાઈઓ વચ્ચે હસી મજાક નાની મોટી તકરાર થતી પણ આ તકરારમાં પણ અમારો પવિત્ર સ્નેહ હતો. નાના ભાઈ પ્રત્યે અતૂટ લાગણી હતી. આમારો ભાઈ જીવથી પણ વ્હાલો હતો. આજે એ હયાત નથી ત્યારે એની યાદ બહુ આવે છે. આંખમાંથી આસું રોકી શકાતા નથી. ગત વર્ષે અમે રાખડી બાંધી હતી. પણ આ વર્ષે અમે રક્ષાબંધને કોને રાખડી બાંધીએ ? ભાઈની તસ્વીર જોઈને અમારું કાળજું દ્રવી ઉઠે છે. જેણે પણ અમારા ભાઈ છિનવ્યા છે એને કડક સજા થવી જોઈએ, તો જ અમારા બન્ને ભાઈઓના આત્માને શાંતિ મળશે અમને કોર્ટ ન્યાય આપે એવી આશા છે.

- text