200 વર્ષ જૂની પરંપરા : નેસડા ખાનપર ગામે દર રક્ષાબંધને હળ પૂજન, બાદમાં રેસ લગાવી જાહેર થાય છે બળિયો 

- text


હળએ ભગવાન બળભદ્રજીનું હથિયાર હોવાની સાથે અન્નની ઉત્પત્તિ માટેનું ઓજાર પણ હોવાથી તેની વિશેષ પૂજા અર્ચના કરાય છે : ગામ માટે આ હળ પૂજન કોઈ દિવાળીના પર્વથી ઓછો નથી, આ દિવસે નાનાથી લઈ મોટા સુધી સૌ કોઈનો ઉત્સાહ સમાતો નથી  

મોરબી : દરેક ગામનો એક આગવો ઇતિહાસ હોય છે. એક આગવી સંસ્કૃતિ હોય છે. પણ સમય જતાં આ ઇતિહાસ અને સંસ્કૃતિ વિસરાતી જતી હોય છે. પણ મોરબી જિલ્લાના અનેક ગામો એવા પણ છે જેને તેની પરંપરા દાયકાઓથી જાળવી રાખી છે. આવું જ એક ગામ ટંકારા તાલુકાનું નેસડા ખાનપર. આ ગામમાં છેલ્લા 200 વર્ષથી દર રક્ષાબંધને હળ પૂજન થાય છે. ખૂબીની વાત તો એ છે કે આ દિવસ ગામ માટે દિવાળીથી જરા પણ ઓછો નથી હોતો.

નેસડા ખાનપર આમ તો ખોબા જેવું ગામ. પણ પરંપરા અને સંસ્કૃતિની જાળવણીમાં તેનું કદ આભને આંબે તેટલુ છે. આ ગામમાં છેલ્લા 200 વર્ષથી દર રક્ષાબંધનના દિવસે હળ પૂજન કરવામાં આવે છે. જેને હળ જીતવું પણ કહે છે. હળ એ ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ અને શેષનાગના અવતાર ગણાતા એવા બળભદ્રજીનું હથિયાર હતું. આ ઉપરાંત હળ એ અન્નની ઉત્તપ્તિ માટે વપરાતું મહત્વનું ઓજાર પણ છે. ત્યારે આ ગામમાં હળની મહ્ત્વતા દર્શાવવા માટે તેનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. જેમાં દરેક ગ્રામજનો પોતાના હળ લઈ આવીને તેનું પૂજન કરાવે છે.

વિશેષમાં આ હળ પૂજન બાદ ગામના આગેવાન થોડે દુર એક હળ લઈને ઉભા રહે છે. ગામના યુવાનો રેસ લગાવે છે અને જે યુવાન સૌથી પહેલા દુરની જગ્યાએ પહોંચીને આ હળ લઈ લ્યે છે તે બળિયો જાહેર થાય છે. બાદમાં આ બળિયાને ઘરે ગ્રામજનો જાય છે. ત્યાં ચા-પાણી પીવે છે. મીઠુ મોઢું કરે છે અને તેને બળિયો બનવા બદલ અભિનંદન પાઠવે છે. ઉપરાંત જે યુવાન બળિયો બને છે તેને વિશેષ માન-સન્માન પણ મળે છે.

ગામના પૂર્વ સરપંચ દિનેશભાઇ ગડારા જણાવે છે કે ગામમાં હળ પૂજનની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. રક્ષાબંધને હળ પૂજનને લઈને ગ્રામજનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે. અમારા ગામ માટે હળ પૂજન એ દિવાળીથી ઓછો પર્વ નથી. આ પ્રસંગે ગામના તમામ ભાઈઓ અને બહેનો ભાગ લ્યે છે. બધા હળીમળીને અમારા વડવાઓએ શરૂ કરેલી આ પ્રથા નિભાવીએ છીએ.

ગામમાં ગોરપદુ કરતા બ્રાહ્મણ એવા જગદીશભાઈ પંડ્યા જણાવે છે કે હળનું ખૂબ મહત્વ છે. ધાર્મિક મહત્વની સાથે તે અન્નદાતાનું ઓજાર પણ છે. એટલે જ વડવાઓએ તેનું પૂજન શરૂ કર્યું હતું. ગામ મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલ છે. ત્યારે હળ પુજનમાં અમે ગામમાં કાયમ સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઉપરાંત ગામની આ પરંપરા આવનારી પેઢી પણ આગળ ધપાવતી રહે તેવી અમે તેમને શીખ પણ આપીએ છીએ.

- text

- text