સ્વતંત્રતા સ્પેશિયલ : 1971ના યુદ્ધમાં મોરબીના સુબેદારની બટાલિયને પાકિસ્તાનના 3 ગામ કબ્જે લઈ લીધા હતા

- text


 

પાકિસ્તાને અચાનક હુમલો કરી કચ્છના ત્રણ ગામો ઉપર કબજો કરી લેતા મોરબીના સુબેદાર સહિતની 100 જવાનોની બટાલિયનને આ ગામો તો મુક્ત કરાવી લીધા, ઉપરથી પાકિસ્તાનના ગામો પણ લઈ લીધા
3 દિવસ અને 3 રાત્રી સુધી ચાલેલા આ ઓપરેશનમાં ભારત માતાના વીર સપૂતોએ પાકિસ્તાની સેનાને મસડી નાખવામાં કઈ બાકી ન રાખ્યું, નિવૃત વીર જવાને સ્વમુખેથી જણાવેલી ઐતિહાસિક દાસ્તાન

 

મોરબી : 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા હતા. જો આઝાદીથી અત્યાર સુધી ભારતે હમેશા શાંતિથી જ વિકાસ કર્યો છે. પણ પાકિસ્તાને હમેશા ભારત પ્રત્યે કટ્ટરતા રાખીને ભારતમાં આંશાંતિ ફેલાવી ચંચુપાત કર્યો છે. જ્યારે જ્યારે પાકિસ્તાને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે યુદ્ધ કર્યું ત્યારે ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનના દાત ખાટા કરીને મેલી મુરાદ કામિયાબ થવા દીધી નથી. આજે આપણે આઝાદીનું પર્વ મનાવીએ છીએ, પણ ભારતમાં શાંતિ અને સુખ રહે એ માટે ભારતીય લશ્કરી દળના જવાનોએ કેવા કેવા પરાક્રમો અને બહાદુરીથી દુશમનોને કેવી રીતે ધૂળ ચાંટતા કર્યા એ જાણીએ છીએ ખરા ? ત્યારે વાત છે, 1971ના યુદ્ધની. તે સમયે મોરબીના સુબેદાર સહિત 100 જવાનોની બટાલિયાને પાકિસ્તાનને ભારતમાંથી ખદેડીને પાકિસ્તાનમાં પણ કબ્જો જમાવી દીધો હતો.

મૂળ મોરબીના વતની અને હાલ ખંભાળિયા નાના ભાઈની દીકરી જમાઈ સાથે રહેતા નિવૃત આર્મીમેન રસિકભાઈ શાંતિલાલ લવા (ઉ.વ.80)ની 1971ના યુદ્ધમાં બહાદુરીની શોર્યગાથા એમના જ શબ્દોમાં સાંભળીએ.. 1971માં તેઓ ભારતીય લશ્કરી દળમાં લેફ્ટનન્ટ સુબેદાર તરીકે ફરજ બજાવતા હતા. 1971માં પાકિસ્તાને ભારતની સરહદો ઉપર હુમલો કરી દીધો હતો. ભારતની સરહદ પર લશ્કરી મથકો ઉપર પણ પાકિસ્તાની વાયુસેનાએ હુમલો કરીને યુદ્ધની ચીંગારી છેડી હતી. પાકિસ્તાની સેનાએ કચ્છના કેટલાક ગામડાઓ ઉપર હુમલા કરી કબ્જો જમાવી દીધો હતો. ત્યારે ભારતની સરહદ પર અમારી 100 જવાનોની બટાલિયન યુદ્ધ માટે સજ્જ હતી અને અમારી બટાલિયનને કચ્છનો મોરચો સાંભળી લેવાના લશ્કરી દળના ઉપરના અધિકારીઓનો આદેશ છૂટ્યો હતો. એ સાથે અમારી સૈન્યની ટુકડીએ જ્યાં પાકિસ્તાને કબ્જો જમાવેલો એ કચ્છના ધનપતમાં ત્રાટકી હતી. 100 આર્મીમેન બંદૂક સહિતના હથિયારો સાથે પાકિસ્તાનના ઘૂસપેઠીયા અને સેના ઉપર સીધો જ એટેક કરતા પાકિસ્તાની સેના જીવ બચાવીને પાણી અનાજ ત્યાં જ છોડીને મુઠીઓ વાળીને પાકિસ્તાન ભાગી ગઇ હતી. આથી મોરબીના સુબેદાર સહિતની સેનાની ટુકડીએ કચ્છના સરહદીગામોને પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કરાવ્યા હતા.

- text

મોરબીના નિવૃત આર્મીમેન વધુમાં કહે છે કે કચ્છનું ધનપત ભારત પાકિસ્તાનની સરહદ વચ્ચે આવેલું છે. એટલે અમારી ટુકડી ત્યાં પહોંચી ગયા બાદ સીધી જ પાકિસ્તાનમાં ઘુસી ગઈ અને પાકિસ્તાની સેનાને ધૂળ ચાટતી કરી દઈને અમે પાકિસ્તાનના ત્રણ ગામો પર કબજો જમાવી દીધો હતો અમારી ટુકડી રાઇફલ સહિતના હથિયારો સાથે સતર્કતા રાખીને સતત આગળ વધી રહી હતી. જો કે પાકિસ્તાની ફોજની ટુકડીઓ ભારતીય સેનાના એટેકથી ઉટ ઉપર બેસીને પાકિસ્તાન તરફ નાસી છૂટી હતી. પાણી પીવાઈ એમ ન હતું. કારણ કે એમાં ઝેર નાખી દીધું હોય તો. એટલે ડોકટરોએ ચકાસીને કીધા બાદ અમે પાણી પીધું હતું. ઘનબેટથી આગળ એટેક કરવાનો ઓર્ડર મળતા અમારી ટુકડી પાકિસ્તાનમાં ઘુસી પાકિસ્તાનના બરતલા, નગરપારકર સીટીમાં કબ્જો જમાવતા પાકિસ્તાને રાત્રે લાઈટ બંધ કરી દીધી તેમ છતાં અમે 100 સેનાના જવાનો અલગ અલગ ટુકડીમાં વહેંચાઇને જંગલ જેવા વિસ્તારમાં પાકિસ્તાનના ડાકુનો વૈભવશાળી બંગલો હતો. પણ અમે એમાં પણ એટેક કરતા ડાકુ સહિતના લોકો ભાગી ગયા હતા અને એ બંગલા ઉપર પણ કબ્જો જમાવી ત્યાંથી 100ની ટુકડી જોડાઈને બીજા બે ગામો ઉપર કબ્જો કરી લીધો હતો. આ સુબેદાર સહિતની ટુકડીનું ઓપરેશન ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સતત ચાલ્યું પછી ભારતીય સેનાની પાકિસ્તાનમાં કબ્જો જમાવી દેતા પાકિસ્તાને યુદ્ધમાં શરણાગતિ સિવકારી લેતા પાકિસ્તાનથી અમારી ટુકડી ફરી ભારત આવી હતી.

આ નિવૃત આર્મીમેન કહે છે કે, ભારત દેશની સેવા માટે અપરિણીત રહેવાનું પ્રણ લીધું હતું. એટલે પરણ્યો જ નથી. પણ ભારત માતાની સેવા સાથે ઘરની જવાબદારી પણ પૂરેપૂરી નિભાવી છે. ઘરમાં મારાથી એક મોટા બહેન હતા એનું અવસાન થયું હતું. ત્યાર પછી બે મારા નાના ભાઈ છે એને ભણાવીને પરણાવ્યાં પણ છે. એટલે ઘરની જવાબદારી પુરેપુરી નિભાવી છે. 1994માં ભારતીય સેનમાંથી હું નિવૃત થઈને મોરબી વતને પાછો આવ્યો અને વર્ષોથી મોરબી જ રહેતો હતો. પણ નિવૃત હોવાથી હમણાં થોડા સમયથી ખંભાળિયા મારા નાના ભાઈની દીકરી જમાઈ સાથે રહું છે. અત્યારે કાને બહેરાશ આવી ગઈ છે. 80 વર્ષની ઉંમરને કારણે શરીર થોડું નબળું પડ્યું છે. પણ હજુ દેશદાઝ અને ખુમારી એવી ને એવી જ છે. હજુ પણ દુશ્મનોનો સામનો કરી શકું એવી ખુમારી ધરાવું છું.

(પૂરક માહિતી આપનાર મોરબી માજી સૈનિક મંડળના પ્રમુખ અશોકસિંહ અને નિવૃત આર્મીમેનના રસિકભાઈની નાના ભાઈના જમાઈ શૈલશ ભટ્ટનો મોરબી અપડેટ આભાર માને છે અને રસિકભાઈ જેવા તમામ ભારતીય સેનાના જવાનોની દેશ પ્રત્યે મરી મીટવાની ભાવના અને બહાદુરીને મોરબી અપડેટ સલામ કરે છે.)

- text