મોરબી કંડલા હાઇવે ઉપરની સોસાયટીના રહીશો દ્વારા પાણી પ્રશ્ને ગ્રામ પંચાયતમાં મોરચો

- text


બે મહિનાથી પીવાનું પાણી ન આવતા રહીશો વિફર્યા, મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં ઉગ્ર રજુઆત, નવી બનેલી સોસાયટીના એકપણ મકાન ગ્રામ પંચાયતમાં ચડ્યા ન હોવાથી ગ્રામ પંચાયત સુવિધા આપતી નથી : તલાટી

મોરબી : મોરબી કંડલા હાઇવે ઉપર આવેલી સોસાયટીમાં બે મહિનાથી પાણી આવતું ન હોવાથી રહીશો વિફર્યા હતા અને આજે રહીશોએ પાણી પ્રશ્ને મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં મોરચો માંડ્યો હતો અને ગ્રામ પંચાયતમાં પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી. પણ તલાટીએ કહ્યું હતું કે, નવી બનેલી સોસાયટીના એકપણ મકાન ગ્રામ પંચાયતમાં ચડ્યા ન હોવાથી ગ્રામ પંચાયત સુવિધા આપતી નથી.

મોરબી કંડલા હાઇવે ઉપર આવેલી જનકપુરી સોસાયટીના રહીશો આજે પાણી પ્રશ્ને મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા દોડી ગયા હતા. પણ તલાટી હાજર ન હોવાથી ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત કરી હતી કે, જનકપુરી સોસાયટીમાં અંદાજીત 100થી વધુ મકાનો આવેલા હોય પણ છેલ્લા બે મહિનાથી આ સોસાયટીમાં પાણી આવતું નથી. આથી ટેન્કરથી પાણી મંગાવવું પડે છે. પણ રોજ રોજ પાણીના ટેન્કરના મોંઘા ભાડા પોસાય તેમ નથી. આથી પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.બે મહિનાથી પાણી વગર રીતસર ટળવળી રહ્યા છીએ, આ સોસાયટી ત્રણ વર્ષથી નવી બની હોય ત્યારે બિલ્ડરે લોલીપોપ આપ્યા હતા કે, તમારા મકાન ગ્રામ પંચાયતમાં ચડી જશે. પણ હજુ સુધી ગ્રામ પંચાયતમાં ન ચડતા ગ્રામ પંચાયતે પાણી બંધ કરી દીધું છે. તેથી આ બાબતે ગ્રામ પંચાયત યોગ્ય નિરાકરણ કરે તેવી માંગ કરી છે.

મહેન્દ્રનગરના તલાટીએ જણાવ્યું હતું કે, આ સોસાયટી નવી બની હોય અમારી ગ્રામ પંચાયતમાં ચડ્યા નથી. એટલે ગ્રામ પંચાયત આ સોસાયટીમાં સુવિધાઓ આપતી નથી. આથી સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે, અમને થોડો ટાઈમ આપો ગ્રામ પંચાયતમાં મકાન ચડી જશે એટલે સુવિધાઓ આપવાની માંગ કરી છે.

- text

- text