ખાડો ખોદે એ પડે…. કહેવતને હાઇવે ઓથોરિટીએ ખોટી પાડી 

- text


મોરબી – કચ્છ હાઇવે ઉપર દસ બાર દિવસથી ખોદેલા ખાડામાં અનેક વાહનો ખાબક્યા, ટ્રાફિકજામની પણ ફરિયાદ

મોરબી : ખાડો ખોદે એ પડે…… ગુજરાતની જાણીતી કહેવતને નેશનલ હાઇવે ઓથોરિટીએ સદંતર ખોટી પાડી છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ દસ બાર દિવસ પહેલા કોઈપણ કારણોસર મોરબી – કચ્છ હાઇવે ઉપર કુબેર સિનેમા નજીક ખોદેલા ખાડામાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓ કે એમના વાહનોને બદલે નિર્દોષ અન્ય વાહન ચાલકો ખાબકી રહ્યા છે.

ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા રોકડીયા એટલે કે મોરબી કચ્છ ટોલ રોડ ઉપર વાહન ચાલકો વાહન ચલાવવાં માટે રોકડા રૂપિયા આપતા હોવા છતાં અહીં સુવિધા આપવામાં નેશનલ હાઇવે ઓથોરિટી ઉણી ઉતરી રહી છે, હાલમાં ચોમાસામાં રોડ ઉપર અનેક જગ્યાએ ગાબડાઓ હાઇવે ઓથોરિટીની પોલ ખુલ્લી કરી રહ્યા છે એવા સમયે જ મોરબી- કચ્છ હાઇવે ઉપર વિશાલ ફર્નિચર પાસે મોરબીના કુબેર સિનેમા નજીક નેશનલ હાઇવે ઓથોરિટીએ કોઈપણ કારણોસર એક ખાડો ખોદીને ખુલ્લો છોડી દેતા છેલ્લા દસ બાર દિવસથી રોજે રોજ કોઈને કોઈ વાહન ચાલક આ ખાડામાં ખાબકી રહ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલમાં આ જીવલેણ કમરતોડ ખાડામાં નાના વાહનોની સાથે મોટા ટ્રક પણ ખાબકી રહ્યા હોય દિવસ દરમિયાન અનેક વખત ટ્રાફિકજામના દર્શ્યો પણ હાઇવે ઉપર જોવા મળી રહ્યા છે, આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે રોજેરોજ હાઈવેના નિરીક્ષણ માટે નીકળતા હાઇવે ઓથોરિટીના અધિકારીઓને આટલો મોટો પોતે જ કરેલો ખાડો કેમ નથી દેખાતો ? શું કોઈ નાના વાહન ચાલકનો જીવ ગયા બાદ આ ખાડો બુરવામાં આવશે કે શું ? તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

- text