હળવદની રણજીતગઢ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

- text


હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સૌ પ્રથમ વખત બાલ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ લોકશાહીથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા સૌપ્રથમ જાહેર નામું બહાર પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકોમાંથી 4 કુમાર અને 4 કન્યાઓએ એમ કુલ 8 વિદ્યાર્થીઓએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મની ચકાસણી કરી દરેક બાળકને તેમનું નિશાન ફાળવવામાં આવ્યું હતું અને ત્યારબાદ બે દિવસ સુધી બાળકોને પ્રચાર અને પ્રસાર કરવા દેવામાં આવ્યો અને તારીખ 25 જુલાઈ ને મંગળવારના રોજ લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી.

લોકશાહીમાં જેવી રીતે ઇ.વી.એમ.મશીન થી ચૂંટણી થાય તેવી જ રીતે મોબાઇલ એપની મદદથી સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ગુપ્ત રીતે મતદાન કરી શકે તેના માટે મતકુટિર બનાવવામાં આવી હતી અને બાળકોમાંથી જ પ્રિસાઈડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર તેમજ પટ્ટાવાળાની જવાબદારી સોંપી વોટિંગ કરાવવાંમાં આવ્યું હતું. ધોરણ 5 થી 8 ના કુલ 94 બાળકોએ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડિજિટલ એપ્લિકેશનની મદદથી ઇ.વી.એમ. મશીનમાં જેમ મત અપાય તેવી જ રીતે પોતાનો કિંમતી મત આપી ચૂંટણીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે તમામ ઉમેદવારની હાજરીમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ મત ધોરણ 7માં ભણતા સોનગરા ખુશ રાજેશભાઈને મળ્યા હતા. જેની શાળાના મહામંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટાયેલા ઉમેદવારોમાંથી દરેકને જુદી જુદી સમિતિની જવાબદારી સોંપવામાં આવી હતી.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગેની માહિતી શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક પી.ટી.કણઝરીયા, જી.સી.વિડજા અને એ.બી.લો દ્વારા પુરી પાડવામાં આવી હતી. અંતમાં શાળાના આચાર્ય એમ.પી.કણઝરીયા દ્વારા ચૂંટાયેલા તમામ ઉમેદવારો અને બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને શાળામાં શ્રેષ્ઠ કામગીરી માટે ચૂંટાયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text