રાજ્યમાં સખીમંડળો થકી મહિલાનોની ઉડાન ગગન ચુંબી રહી છે

- text


સરકારે અમારી ઉપર ભરોસો મુકીને અમને સ્વાવલંબી બનવામાં સહાય કરી છે : શુભમ મહિલા સ્વસહાય જુથ સાથે જોડાયેલ ગીતાબેન

મોરબી : મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસ માટે સતત પ્રવૃતિશીલ સરકાર દ્વારા બનાવેલ સખી મંડળ યોજના થકી મહિલાનોની ઉડાન ગગન ચુંબી રહી છે. જેનુ સ્પષ્ટ ઉદાહરણ મોરબી ખાતે ચાલી રહેલો સરસ મેળો છે.

મોરબી ખાતે ચાલી રહેલ સરસ મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાના શુભમ મહિલા સ્વસહાય જુથ સાથે જોડાયેલ ગીતાબેન દિલીપભાઈ પટેલ જણાવે છે કે, “ હું સરકારનો આભાર માનું છું કે તેમણે અમારી ઉપર ભરોસો મુકીને અમને સ્વાવલંબી બનવામાં સહાય કરી છે. તેઓએ આવા મેળાઓનું આયોજન કરાવીને અમને અમારા દ્વારા તૈયાર કરેલ વસ્તુ વેચવા માટે એક પ્લેટફોર્મ પુરું પાડ્યું છે.

“હું માનું છુ કે, આપણું રસોડું જ આપણી ઔષધી છે. જો ભોજન તૈયાર કરવાની વસ્તુ સારી વાપરશું તો બધા સ્વસ્થ રહેશે. મારા પોતાના ઘરે ગાય છે અને હું પોતે ગાય આધારીત પાકૃતિક ખેતી કરું છું અને કૃત્રીમ ખાતરનો ઉપયોગ ન કરતા જીવામૃત, ટપક સિંચાઈની પદ્ધતી, અળસિયા આધારીત ખેતી કરું છું. અમારા આ સખીમંડળ દ્વારા પાકૃતિક ખેત પેદાશોમાંથી ભોજન માટેના મસાલા, સરગવાનો પાવડર, દેશી ઔષધી, તેલ, મુખવાસ, છાશ માટે મસાલો, ૭ ધાન્યનું ભડકું વગેરે વસ્તું તૈયાર કરવામાં આવે છે, જે સ્વાથ્યવર્ધક છે.”

આપણે સૌ જોઇએ જ છીએ કે, આજે મહિલા સતત અને સતત આગળ વધી રહી છે. જેમાં સરકારનું ખુબ મોટું યોગદાન છે. એવા ક્ષેત્ર કે, જ્યાં પુરૂષોએ પોતાનો કહેવાતો કોપીરાઈટ લગાડ્યો હતો તેને દૂર કરીને મહિલાઓ હવે પોતે તે ક્ષેત્રમાં આગળ રહી છે.

એ જ રીતે મોરબીના પ્રતાપગઢ ખાતે ફયઝાન મિશન મંગલમ જૂથ સાથે જોડાયેલા જમીલાબેન બાંધણીના દુપટ્ટા બનાવવાનું કામ કરે છે. તેમના દ્વારા હાથે બનાવવામાં આવેલી આ બાંધણીઓની માંગ પણ એટલી છે. આ બાંધણીઓના ગૂંથણ સાથે કેટલી બધી બહેનોની રોજગારી ગૂંથાયેલી છે. તેમના નેતૃત્વ હેઠળ ફયઝાન મિશન મંગલમ જૂથ સખી મંડળની અન્ય બહેનો પણ રોજગારી મેળવી રહી છે. હાલ મોરબી ખાતે ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ઊભા કરાયેલા પ્રાદેશિક સરસ મેળામાં જમીલાબેન સ્ટોલ મેળવી આ બાંધણીની ઓઢણીઓનું વેચાણ કરી રહ્યા છે.

આ બાબતે જમીલાબેન જણાવે છે કે, “અમારા સખી મંડળ સાથે ૧૦ બહેનો જોડાયેલી છે. બાંધણીની ઓઢણીઓ બનાવી હું તો પગભર બની જ છું સાથે અન્ય બહેનોને પણ રોજગારી પૂરી પાડવાના પ્રયાસ કરી રહી છું. સરકાર દ્વારા અવાર નવાર આવા મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. અમે આ પ્રકારના મેળાઓમાં જઈએ છીએ જ્યાં અમારી આ પેદાશનું સારૂ એવું વેચાણ થાય છે અને અમને રોજગારી પણ મળી રહે છે. ઉપરાંત અન્ય ઘણા જિલ્લામાંથી બહેનો આવતી હોવાથી તેમની પાસેથી ઘણું બધું નવું જાણવા પણ મળે છે. આ પ્રકારના મેળાઓ અમારી રોજગારી માટે ખૂબ મહત્વના છે, સરકાર અવારનવાર આવા મેળાઓનું આયોજન કરે છે જેથી અમે સરકારના ખૂબ આભારી છીએ”.

- text

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ઠેર-ઠેર યોજવામાં આવી રહેલા પ્રાદેશિક સરસ મેળા તેમજ અન્ય વાર તહેવાર ઉપર યોજાતા વિવિધ પ્રકારના મેળા અને પ્રદર્શનો સખી મંડળની બહેનો માટે ખૂબ મહત્વના છે. આ મેળા અને પ્રદર્શનો બહેનો માટે ખુલ્લા આકાશ જેવા બની રહ્યા છે જ્યાં બહેનો સરકારના સહકાર થકી પોતાની સપનાઓની ઊડાન સરળતાથી ભરી રહી છે. આવા મેળાઓ થકી બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને પૂરતું માર્કેટ મળી રહે છે જેથી આ પેદાશોનું પ્રમોશન પણ થઈ જાય છે અને વેચાણ પણ બહોળું થાય છે.

- text