મોરબી હાઇવે પર ડમ્પરે ઝીણી ડસ્ટ ઠાલવી દેતા રોડ બ્લોક થઈ ગયો

- text


ધારાસભ્યની રજુઆત છતાં પોલીસ, આરટીઓ તંત્ર નબર પ્લેટ વગર અને ઓવરલોડ ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં ઉણુ ઉતર્યું

મોરબી : મોરબીમાં ધારાસભ્યની રજુઆત છતાં નંબર વગરના અને ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ યથાવત રહ્યો છે અને હાઇવે ઉપર માટી કે પથ્થરો ખડકી દેતા ડમ્પર ચાલકોએ મનમાની ચાલવીને તંત્રને રોક સકો તો રોક લો નો રીતસર પડકાર ફેંકી રહ્યા છે. જેમાં મોરબી નજીક હાઇવે ઉપર ડમ્પર ચાલકે સીરામીકની ઝીણી ડસ્ટ ઠાલવી દેતા થોડીવાર માટે રોડ બ્લોક થઈ ગયો હતો અને વાહન ચાલકોને હેરાન થવું પડ્યું હતું.

મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના ધારાસભ્યોએ તાજેતરમાં એસપી સાથે બેઠક કરીને હાઇવે ઉપર માતેલા સાંઢની જેમ દોડતા નંબર પ્લેટ વગરના અને ઓવરલોડ ડમ્પરો સામે કાર્યવાહી કરવાની રજુઆત કરી હતી અને પોલીસે પણ આવા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. પણ પોલીસ અને આરટીઓ તંત્ર જાણે આવા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં ભારે આળસવૃત્તિ રાખી હોય એમ નંબર પ્લેટ વગરના અને ઓવરલોડ ડમ્પરો બેફામ દોડીને મનમાની ચલાવી રહ્યા છે અને તંત્રને પકદર ફેંકી રહ્યા છે. જો કે ઘણા સમયથી નેશનલ હાઇવે ઉપર માટી કે પથ્થરોનો ઢગલો ખડકી દેતા ડમ્પરોનો ત્રાસ પણ યથાવત રહ્યો છે. લાંબા સમયથી હાઇવે ઉપર કોઈને કોઈ જગ્યાએ રોડની વચ્ચોવચ માટી કે પથ્થરોનો ઢગલો ખડકી દેતા ડમ્પરો ખુલ્લેઆમ મનમાની ચલાવતા હોવા છતાં તંત્ર ભેદી મૌન દાખવીને હાથ ઉપર હાથ ધરીને બેસીને મુકપ્રેક્ષક બની તમાશો નિહાળી રહ્યું હોય એવા ડમ્પરોની હિંમત એટલી વધી ગઈ છે કે, આજે તો ડમ્પરોએ હાઇવે ઉપર રોડ બ્લોક કરી દીધો હતો. જેમાં મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે ડમ્પર ચાલકે ઝીણી સીરામીકની ડસ્ટ ઠાલવી દેતા થોડીવાર માટે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન મળતા ડમ્પરોને છૂટોદૌર મળી રહ્યો છે.

- text

- text