મોરબીના લોહાણાપરામાં પાણી ભરાતા વેપારીઓના ધંધા વેપાર ઠપ્પ 

- text


વર્ષોથી ભૂગર્ભ ગટર ચોકઅપ હોય ઘણા સમયથી વારંવાર પાણી ભરવવા છતાં તંત્રની આળસવૃત્તિ યથાવત, વેપારીઓની પાણીનો કાયમી નિકાલ કરવાની નગરપાલિકાને રજુઆત

મોરબી : મોરબીના શાકમાર્કેટ પાછળ આવેલ લોહાણાપરામાં વર્ષોથી ભૂગર્ભ ગટર ચોકઅપ હોવાથી ગંદા પાણી ભરવાની સમસ્યાએ હવે માજા મૂકી છે. હાલ વરસાદની સીઝનમાં ભૂગર્ભ અને વરસાદના પાણી ભરાતા વેપારીઓને ધંધા બંધ કરવા પડે તેવી નોબત આવી છે. આ બાબતે વર્ષોથી રજુઆત કરાતી હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા અત્યારે આ બજાર વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાથી ત્રસ્ત થયેલા વેપારીઓએ નગરપાલિકાને રજુઆત કરી પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ કરી છે.

મોરબીના શાકમાર્કેટ પાછળ આવેલ લોહાણાપરા શેરી નંબર-2માં જુદી જુદી ચીજવસ્તુઓની દુકાનો ધરાવતા વેપારીઓએ નગરપાલિકાને રજુઆત કરી હતી કે, આ મુખ્ય બજાર વિસ્તાર લોહાણાપરામાં વર્ષોથી ભૂગર્ભ ગટર ચોકઅપ છે. તેથી ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીનો નિકાલ જ થતો નથી. આથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. અત્યારે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. આ વિસ્તારમાં પગ મુકવાનું પણ મન ન થાય તે હદે પાણી ભરાયા છે. અત્યારે આ બજાર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આથી વેપારીઓના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. આગળની દુકાનો ધરાવતા અમુક વેપારીઓએ દુકાન આગળ કપચી નાખીને રોડનું લેવલ બગાડી નાખ્યું છે. તેથી પાણી આગળ જતું જ નથી અને સતત પાણી ભરાયેલા હોવાથી ગ્રાહકો પણ દુકાને વસ્તુઓ લેવા આવતા નથી. તેથી ધંધા પરાણે બંધ રહે છે. જો કે આ વર્ષોથી કાયમી સમસ્યા હોય અનેક રજુઆત કરવા છતાં પાણી ભરવાની સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો જ નથી. આથી ફરી એકવાર રજુઆત કરીને તંત્રને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

- text

- text