ઘરડા ગાડા વાળે : મોરબીની અવની ચોકડીએ વડીલોએ ચાલુ વરસાદે રોડની મરામત કરી

- text


રોડ ઉપર ખાડા ખબડા પડતા વડીલોએ પાવડો અને કોદાડી લઈને શ્રમદાન કરી પાણીનો નિકાલ કરવાની સાથે રોડને ચાલવા યોગ્ય બનાવ્યો

મોરબી : ઘરડા ગાડા વાળે એ કહેવત મુજબ ઘેઘુર વડલા સમાન વડીલો ગમે તેવી જટિલ સમસ્યાની ગુંચ એમની કોઠાસૂઝથી ઉકેલી નાખતા હોવાના આપણે દરેકે ઘરના કોઈને કોઈ પીઢ વ્યક્તિના મોઢે કિસ્સા સાંભળ્યા હશે અને કોઈના પર આધાર રાખવો કે એકબીજા ઉપર સમસ્યાનો દોષારોપણ કરવાને બદલે જાતે સમસ્યાનો ઉકેલ કરવા મંડી પડવું એ વડીલોના સંસ્કારને કારણે જ જાત મહેનત ઝીદાબાદની કદાચ કહેવત પડી હશે. ત્યારે મોરબીમાં પણ આ કહેવતને સાર્થક કરતા વડીલોની ખંત અને મહેનત સામે આવી છે. જેમાં અવની ચોકડીએ ખાડા અને ચરેડી પડી જતા વડીલોએ કોઈના ઉપર દોષારોપણ કરવાને બદલે પાવડો અને કોદાડી લઈને મંડી પડી રસ્તાને ચાલવા યોગ્ય બનાવ્યો હતો.

મોરબીની અવની ચોકડીએ વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યા છે. અત્યારે પણ વરસાદની સીઝન હોય પાણી ભરવાની સાથે રોડ ઉપર ખાડા અને ચરેડી પડી ગઈ હતી. જો કે થોડા સમય પહેલા તંત્રએ અવની ચોકડી પાસે પાઇપ નાખવાનું ખાતમુહૂર્ત કરીને વરસાદ પહેલા જ પાણીના નિકાલ કરી નાખવાનો ડીંગો હાંકયો હતો. પણ દોઢ મહિના પહેલા થયેલા ખાતમુહૂર્તનું કામ હજુ શરૂ ન થતા અવની ચોકડીએ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા યથાવત રહી છે. દરમિયાન રોજની જેમ આજે પણ અવની ચોકડી પાસે વડીલોનો ડાયરો ભેગો થયા હતા અને બેઠા હતા. ત્યારે રસ્તા પર ચિરોડી ખાડો પડી જતા અને વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોની ગંભીર હાલત જોઈને વડીલોથી ન રહેવાયું અને બધા વડીલોએ પાવડો કોદાડી અને તગારા લઈને રોડ ઉપર શ્રમદાન કરવા મંડી પાણીનો નિકાલ કરવાની સાથે રોડને ચાલવા યોગ્ય બનાવ્યો છે. આ વડીલોએ ધાર્યું હોય તો તંત્રને દોષ દઈને કે ઉંમરની અવસ્થાનું કહીને બીજા લોકોની જેમ જ મુકપ્રેક્ષક બની શકત. પણ આ વડીલોમાં જાતે જ મહેનત કરવાની બળવત્તર ભાવનાને કારણે આ ઉંમરે પણ કામ કરવામાં કોઈ શરમ ન નડી, કે ન ઉંમર પણ બાધારૂપ બની. તંત્ર ઉપર કે નેતા ઉપર દોષનું ઠીકરું ફોડવાને બદલે જાતે જ કામ કરીને આ વડીલોએ સમસ્યા હલ કરવામાં એકલા તંત્રની જવાબદારી નહિ પણ નાગરિક તરીકે આપણે દરેકે પણ ઉમદા કર્તવ્ય દાખવવું જોઈએ તેવો મેસેજ આપ્યો છે.

- text

- text