આ દખ કોને કહેવું ? ભૂગર્ભના ગંદા પાણી રસોડાની વોશબેઝિનમાં પ્રગટ્યા 

- text


મહેન્દ્રપરામાં 15 દિવસથી ભૂગર્ભ ગટરમાં પાણી જતું ન હોવાથી ઘરના ફળિયા, બાથરૂમ અને રસોડામાં ગંદા પાણી ઉભરાતા રહીશોનું જીવવું હરામ થઈ ગયું 

મોરબી : મોરબી નગરપાલિકાની અક્ષમ્ય બેદરકારીને કારણે ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. જેમાં મહેન્દ્રપરા વિસ્તારમાં ગટરના પાણી ઘરોમાં ઘુસી જતા લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે. છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જતા ગટરમાં પાણી જતું ન હોય અને પાછું ઠેલાતું હોવાથી ગટરના ગંદા પાણી ઘરના ફળિયા અને બાથરૂમમાં તેમજ રસોડાના વોશબેઝિનમાં ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

મોરબી નગરપાલિકાના પાપે શહેરના મોટાભાગના વિસ્તારો ભૂગર્ભ ગટર ઉભરવાની ગંભીર સમસ્યાથી પ્રભાવિત છે. પણ તંત્ર એટલી હદે નીંભર બની જતા મહેન્દ્રપરા વિસ્તારમાં ગટરની સમસ્યાએ હદ ઓળગી દેતા રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે. જેમાં મહેન્દ્રપરા શેરી નંબર-7માં આસ્વાદ પાન મેઈન રોડ ઉપર ઘરમાં જ ભગવતી વેલ્ડીંગની દુકાન ધરાવતા રાજુભાઇ પરમારે રોષ સાથે જણાવ્યું હતું કે, તેમની શેરીમાં પાલિકા દ્વારા ક્યારેય ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવતી નથી. આથી મેઈન રોડ પરની ભૂગર્ભ ગટર છેલ્લા 15 દિવસથી જામ થઈ ગઈ છે. આ ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જતા ઘરના પાણીનો ભૂગર્ભ ગટરમાં નિકાલ અટક્યો છે અને ભૂગર્ભ ગટરમાં ઘરનું પાણી જતું ન હોય બધું જ ગંદુ પાણી તેમના ઘરોમાં ઉભરાય છે.

- text

ખાસ કરીને ગટરના ગંદા પાણી તેમના ફળિયામાં અને બાથરૂમમાં તેમજ રસોડામાં ઉભરાયા છે. ઘરના બાથરૂમમાં પાણી ઉભરાતા હોય બાથરૂમનો વપરાય કરી શકતા નથી. તેમજ રસોડાની ગેંડીમાં ગંદા પાણી ઉભરાતા હોય રસોઈ ક્યાં જઈને બનાવવી ? ઘરની આવી ગંભીર હાલત થઈ ગઈ હોય રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે. આથી તેઓએ નગરપાલિકા તંત્ર આ ગટરની ગંદકીમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે.

- text