ઉપાડો હવે કચરો ! કચરા ગાડી ન આવતા લોકોએ રોડ પણ કચરો ફેંકી દીધો

- text


મોરબીના ઉમિયા સર્કલ પાસેની તપોવન રેસિડન્સીના રહીશોએ રોડ ઉપર કચરાના ઢગલા ખડકી દીધા : હવે ગાડી કચરો લેવા નહીં આવે તો ચીફ ઓફિસરના ઘરે કચરો ઠાલવી દેવાની ચીમકી આપી

મોરબી : મોરબીમાં પાલિકા તંત્રની અક્ષમ્ય બેદરકારીના પાપે સમસ્યાઓ ઘેરી બનતા લોકોની આકરી કસોટીનો અંત આવી ગયો હોય એમ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવી રહ્યા છે. જેમાં મોરબીના ઉમિયા સર્કલ પાસેની તપોવન રેસિડન્સીમાં દસ દિવસથી કચરા કલેક્શન માટે ગાડી ન આવતા લોકોએ આજે ધીરજ ગુમાવી હતી અને ઘરમાં સંગ્રહ કરેલા કચરાના ગંજને જાહેર રોડ ઉપર ઠાલવીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. હજુ પણ તંત્ર નહિ જાગે તો ચીફ ઓફિસરના ઘરે કચરો ઠાલવી દેવાની ચીમકી આપી છે.

મોરબીના ઉમિયા સર્કલ પાસેની તપોવન રેસિડન્સીના રહીશોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી અમારી સોસાયટીમાં કચરો લેવા માટે નગરપાલિકાની કચરા કલેક્શનની ગાંડી આવી નથી. જો કે અગાઉ નિયમિતપણે કચરા કલેક્શનની ગાંડી આવતી પણ હમણાંથી કચરા કલેક્શનની ગાડી જ ન આવતા ઘરમાં ઘણો કચરો એકઠો થઈ ગયો હતો અને ઘરમાં કચરાના ગંજ ખડકાયા હતા. તેથી ગંદકી ભારે ફેલાતી હતી અને કચરા કલેક્શનની ગાડી નિયમિત રીતે આવે એ માટે નગરપાલિકા રજુઆત કરી-કરીને થાકી ગયા પણ કચરા કલેક્શનની ગાડી ન આવતા અમે સોસાયટીના લોકો રોડ ઉપર કચરો નાખવા મજબુર બન્યા હતા અને તંત્રને ઢંઢોળવા માટે જ ઉમિયા સર્કલ પાસે રોડ ઉપર કચરાના ઢગલા ખડકી દીધા છે. રોડ ઉપર કચરો ન ઠલવાય એની સમજ અમારામાં છે. પણ તંત્રને ઢંઢોળવા માટે આ કાર્ય કરવું પડ્યું છે અને તંત્ર હજુ પણ નહીં જાગે તો ચીફ ઓફિસરના ઘરે કચરો ઠાલવી દેશું તેવું રહીશોએ જણાવ્યું છે.

- text

- text