સોમવાર સુધીમાં મોરબી જિલ્લામાં ખેતીવાડીક્ષેત્રે વીજપુરવઠો પૂર્વવત થશે : પ્રફુલ પાનસેરિયા 

- text


પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા મોરબી જિલ્લાની મુલાકાતે : વાવાઝોડા બાદની સ્થિતિની સમીક્ષા કરી 

મોરબી : વાવાઝોડા બીપરજોય બાદ મોરબી જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા માટે રાજ્યના શિક્ષણમંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી આજે મોરબીની મુલાકાતે આવ્યા હતા. મોરબી મુલાકાત દરમિયાન ધારાસભ્યો અને અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ જિલ્લામાં હજુ પણ અનેક ખેતીવાડીના વીજ ફીડર બંધ હોય તમામ ફીડરો સોમવાર સુધીમાં પુનઃ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મોરબી જિલ્લામાં વાવાઝોડા બીપરજયને કારણે ખાસ કરીને વીજતંત્રને વ્યાપક નુકશાન સિવાય જિલ્લામાં અન્ય નુકશાની જૂજ પ્રમાણમાં થઇ હતી ત્યારે આજે રાજ્યના શિક્ષણમંત્રી અને પ્રભારીમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા મોરબી જિલ્લાની વાવાઝોડા બાદની સ્થિતિ માટે મોરબીની મુલાકાતે આવ્યા હતા. મોરબી મુલાકાત દરમિયાન તેઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે તમામ ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી.

- text

વધુમાં આ બેઠક બાદ તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાવાઝોડા પહેલા અને બાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરી કુદરતી આફત સામે લડાઈ લડી સાવચેતીના પગલાં લેતા મોરબી જિલ્લામાં કોઈ વ્યાપક ખાનાખરાબી થઇ નથી, વધુમાં તેમને ઉમેર્યું હતું કે, જિલ્લામાં વીજતંત્રને વ્યાપક નુકશાન થયું છે તેમ છતાં ગણતરીના દિવસોમાં રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ વીજ પુરવઠો સ્થાપિત કરી દેવાયો છે. હાલમાં ખેતીવાડીમાં બાકી રહેતા વીજ ફીડરો પણ આગામી સોમવાર સુધીમાં પૂર્ણરૂપથી કાર્યરત કરી દેવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.

- text