રૂમઝૂમ કરતું ચોમાસુ કેરળના કાંઠે પહોંચ્યું

- text


કડાકાભડાકા સાથે કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી

મોરબી : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડતા બફારો વધ્યો છે, ત્યારે રૂમઝૂમ કરતું ચોમાસુ કેરળના દરિયાકાંઠે પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ચોમાસુ હવે લક્ષદ્વિપ અને દક્ષિણ અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે. આગાહી પ્રમાણે રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, અંદમાન-નિકોબાર, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે પવન અને વીજળાના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડશે. આ પહેલા હવામાન વિભાગ દ્વારા 6 જૂને કેરળમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.

- text

હવામાન વિભાગ દ્વારા અગાઉ કેરળમાં 4 જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ રવિવારે એક છાંટો પણ પડ્યો નહોતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વરસાદના વિલંબથી દેશમાં ખરીફ વાવણીને અસર થશે નહીં. રવિવારે આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્વિમી પવનમાં વધારો થતાં પરિસ્થિતિ સાનુકૂળ બની રહી છે. 4 જૂનથી પવનની ઊંડાઈ વધી છે અને સમુદ્ર સપાટીથી 2.1 કિમી પહોંચી છે. આ સિવાય દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર વાદળો પણ વધી રહ્યા છે. કેરળમાં ચોમાસાની શરૂઆત માટે અનુકૂળ સ્થિતિ આગામી ત્રણ-ચાર દિવસમાં સુધરશે. તેનું નિરીક્ષણ સતત કરવામાં આવી રહ્યું છે.

ગત વર્ષે ચોમાસાનું આગમન કેરળમાં 29 મેના રોજ થયું હતું, જ્યારે 2020માં પહેલી જૂન તો 2018માં 29 મેના રોજ થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અલ-નીનોની સ્થિતિ વિકસિત થઈ રહી હોવાથી ભારતમાં આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે ત્યારે હાલમાં કેરળના કાંઠે ચોમાસાના પગરવ થતા હવે ગુજરાતમાં પણ ચોમાસાનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.

- text