વાંકાનેરના બહેનો સખી મંડળ દ્વારા બન્યા આત્મનિર્ભર

- text


વાંકાનેર : વાંકાનેરના મહિલાઓ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનું આગવું ઉદાહરણ બની રહ્યા છે. મોરબીની મહિલા શક્તિ સખી મંડળો સાથે જોડાઈને બહેનો સરકારના આર્થિક અને સામાજિક સહકાર થકી સમાજમાં એક અલગ ઓળખ ઊભી કરી રહી છે.

વાંકાનેરના ગારીડા ગામે અક્કી મિશન મંગલમ જુથ સાથે જોડાયેલા અને બેંક સખી તરીકે ફરજ નિભાવતા મઢવી આરતીબેન દાદુભાઈ જણાવે છે કે, “અમારા સખી મંડળની સાથે ૧૦ બહેનો જોડાયેલી છે. સખી મંડળ થકી એકજૂથ બની બહેનો પશુપાલન, કાપડની દુકાન, ખેતી, ડેરી ઉદ્યોગ વગેરે વ્યવસાયોમાં આગળ વધી રહી છે. અમારું સખી મંડળ શરૂ કરતાં જ NRLM હેઠળ અમને સરકાર દ્વારા ૧૦ હજારની રિવોલ્વીંગ ફંડ તરીકે સહાય મળી હતી. ૬ મહિના બાદ ૧ લાખ રૂપિયાની સી.સી.લોન પણ મળી હતી. આ સી.સી. લોનમાંથી અમે પશુપાલન, ડેરી ઉદ્યોગ, કટલેરીની દુકાન વગેરે જેવા વ્યવસાય કરીએ છીએ. આ વ્યવસાય થકી બહેનો તેમના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે.

- text

તેઓએ ઉમેર્યું હતું કે, હું બેંક સખી તરીકે કામ કરૂ છું અને બેંકમાં બેસીને બહેનોના લોનના ફોર્મ ભરવા, બચત મંડળના ફોર્મ ભરવા તેમજ મંડળના બહેનોના વીમા કરવાની કામગીરી કરું છું. જેમાં અઠવાડિયાના ત્રણ દિવસ કામ કરવાનું હોય છે. જે માટે પણ સરકાર દ્વારા મહિને ૩ હજાર મહેનતાણા રૂપે ચૂકવવામાં આવે છે. આ તકે આરતીબેન NRLM યોજના અને સરકારનો આભાર માને છે.

સખી મંડળ એ સરકારનું મહિલાઓને પગભર બનાવવા તરફનું શ્રેષ્ઠ પગલું સાબિત થઈ રહ્યું છે. આજે લાખો બહેનો સખી મંડળો થકી રોજગારી મેળવી રહી છે અને અન્યને પણ રોજગારી આપી રહી છે. ઉપરાંત બીજી બહેનોને પણ માર્ગદર્શન આપી આગળ લાવવાના પ્રયાસો કરી રહી છે.

- text